• શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ગમે ત્યારે થઈ શકે
  • હેડ કોચ ગૌતમ ગંભીરે બુધવારે પસંદગીકારો સાથે બેઠક યોજી
  • આ મીટિંગમાં ગંભીરે ભારતીય ક્રિકેટના ભવિષ્ય વિશે વાત કરી

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ભારતીય ટીમના નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બુધવારે પસંદગીકારો સાથે બેઠક યોજી હતી. એક અહેવાલ મુજબ, આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. જેમાં ગંભીર વર્ચ્યુઅલ રીતે સામેલ હતો. આ બેઠકમાં BCCIના સેક્રેટરી, પસંદગીકાર અજીત અગરકર, પસંદગી સમિતિના સભ્ય અને ગૌતમ ગંભીર હાજર રહ્યા હતા.

શ્રીલંકા પ્રવાસ માટે ટીમની પસંદગી અંગે સૂચનો

રિપોર્ટ અનુસાર, આ મીટિંગમાં ગંભીરે ભારતીય ક્રિકેટના ભવિષ્ય વિશે વાત કરી હતી. તેમણે શ્રીલંકા પ્રવાસ માટે પોતાના સૂચનો આપ્યા હતા. તેણે ખેલાડીઓ માટેની પોતાની પસંદગીઓ પણ જાહેર કરી હતી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ સિરીઝમાંથી 3 ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહનું નામ સામેલ છે.

રોહિત શર્મા રમી શકે છે વનડે સિરીઝ

રોહિત હાલ અમેરિકામાં છે અને રજાઓ ગાળી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી લંડનમાં રજાઓ માણી રહ્યો છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત વનડે સિરીઝ રમી શકે છે. જો આમ થશે તો તે ODI ટીમની કેપ્ટનશિપ કરશે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાને વનડે સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે, પરંતુ તે T20 ટીમનો ભાગ હોઈ શકે છે. જો કે તેને કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા નથી. વાસ્તવમાં, BCCI લાંબા ગાળાના કેપ્ટનની શોધમાં છે. અહેવાલો અનુસાર સૂર્યકુમાર યાદવને T20 ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે. પસંદગીકારો તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

આ બંને ખેલાડીઓની વાપસી થવાની આશા

બીજી તરફ બે ખેલાડીઓ શ્રેયસ ઐયર અને કેએલ રાહુલની વાપસી થવાની આશા છે. બંને ખેલાડીઓ સુકાની પદના દાવેદાર હોવાનું પણ કહેવાય છે. જો રોહિત શર્મા વનડે નહીં રમે તો કેએલ રાહુલ કેપ્ટનશિપનો સૌથી મોટો દાવેદાર હશે. T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. ત્રણ મેચની વનડે સિરીઝ પલ્લેકલેમાં રમાશે. જ્યારે ODI સિરીઝની મેચો 2 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.

  • Follow us on: