• શ્રીલંક સામે સિરીઝ રમવા પહોંચી ભારતીય ટીમ
  • કેપ્ટન્સી બદલાયા બાદ હાર્દિક-સૂર્યકુમાર મળ્યા
  • BCCIએ શેર કર્યો ભારતીય ટીમનો વીડિયો

જ્યારથી શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે ત્યારથી ટીમની પસંદગી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટી ચર્ચા હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કેપ્ટનશીપ આપવા પર હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ આનો વિરોધ કરતા કહ્યું કે આ હાર્દિક પંડ્યા સાથે અન્યાય છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. આ દરમિયાન તેમની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે.

કેપ્ટનશીપના વિવાદ પછી પહેલી મુલાકાત કેવી રહી?

BCCIએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર રવાના થયો તે પહેલા લેવામાં આવ્યો હતો. વીડિયોમાં તમામ ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર એકબીજાને મળતા જોવા મળે છે. આ જ વીડિયોમાં હાર્દિક પંડ્યા પણ સૂર્યકુમાર યાદવને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને હસતા જોવા મળ્યા હતા.


કેપ્ટનશિપની રેસમાં હતો હાર્દિક પંડ્યા

T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની સાથે ટીમના વરિષ્ઠ ખેલાડીઓ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આવી સ્થિતિમાં આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રહેલા હાર્દિક પંડ્યાને ટીમનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો હતો. હાર્દિક પંડ્યા વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાના ટી-20 ક્રિકેટનો કેપ્ટન હતો. પરંતુ BCCIના પસંદગીકારોએ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટી-20 ક્રિકેટ ટીમની કપ્તાની સોંપી છે, જેના પર તમામ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.


પસંદગીકાર અને કોચે કારણ આપ્યું

શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનાવવાનું કારણ જણાવ્યું હતું. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના જણાવ્યા અનુસાર, ટીમને એવા કેપ્ટનની જરૂર હતી જે શક્ય તેટલી વધુ મેચો માટે ઉપલબ્ધ હોય. હાર્દિક પંડ્યાની ઈજાના ઈતિહાસને ધ્યાનમાં લઈને તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે.

  • Follow us on: