- શ્રીલંકા સામે ભારતની શાનદાર જીત
- ભારતીય ટીમે 302 રને મેળવી જીત
- શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ
મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝે વર્લ્ડકપની 33મી મેચમાં શ્રીલંકાને 55 રનમાં આઉટ કરીને તબાહી મચાવી છે. આ સાથે ટીમ ઈન્ડિયા 302 રને જીત મેળવીને સેમીફાઈનલની ટિકિટ મેળવનારી પ્રથમ ટીમ બની છે. મોહમ્મદ શમીએ 5 અને સિરાઝે 3 વિકેટ ઝડપી છે. આ પહેલા શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની શાનદાર ઈનિંગના કારણે ભારતે શ્રીલંકા સામે 50 ઓવરમાં 357 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતે વર્લ્ડકપની 7માંથી 7 મેચ જીતીને ટાઇટલ પર સૌથી મજબૂત દાવો પણ કર્યો છે.
ભારતે બનાવ્યા હતા 357 રન
ભારતના 357 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહે શ્રીલંકાની ઈનિંગના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાઝનો શિકાર બન્યો હતો. દિમુથ કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. સાથે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 2 રન હતો.
શ્રીલંકાની સ્થિતિ ખરાબ
શ્રીલંકાના બેટ્સમેનો આઉટ થવાનો સિલસિલો અહીં અટક્યો નહતો. જે બાદ કુસલ મેન્ડિસ આઉટ થયો હતો. આ સમયે શ્રીલંકાનો સ્કોર 3 રન હતો. જેમ-જેમ મેચ આગળ વધી, તેમ-તેમ શ્રીલંકાની ટીમ ખરાબ થઈ હતી. ચરિથ અસલંકા 24 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. ચરિથ અસલંકાને મોહમ્મદ શમીએ આઉચ કર્યો હતો. જે બાદ મોહમ્મદ શમીએ દુશાન હેમંથાને આઉટ કર્યો હતો
શ્રીલંકાના 5 બેટ્સમેન શૂન્ય પર આઉટ
શ્રીલંકાના 5 બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા છે. જ્યારે શ્રીલંકાની ટીમના 8 બેટ્સમેન ડબલ ડિજિટનો આંકડો પાર કરી શક્યા નથી, એક તરફ અનુભવી એન્ઝેલો મેથ્યુઝે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ શ્રીલંકા માટે મોટી હાર ટાળી શક્યો નહોતો.
શ્રીલંકાના બેટ્સમેનો લાચાર જોવા મળ્યા
ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને ભારતીય ફાસ્ટ બોલરો પાસે શ્રીલંકાના બેટ્સમેનોનો કોઈ જવાબ નહોતો. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને મોહમ્મદ શમી સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા.
શમી-સિરાઝ અને બુમરાહે કહેર વર્તાવ્યો
ભારત માટે મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. મોહમ્મદ શમીએ 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા, જ્યારે મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી છે.
શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનર શુભમન ગિલે 92 બોલમાં 92 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જો કે, ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે 189 રનની મોટી પાર્ટનરશિપ થઈ હતી. શ્રીલંકા તરફથી દિલશાન મધુસંકા સૌથી સફળ બોલર રહ્યો હતો. દિલશાન મધુશંકાએ 5 ભારતીય ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જ્યારે દુષ્મંથા ચમીરાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.