- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ
- ત્રીજી મેચ પહેલા ખેલાડીઓએ હરારે ઝૂની મુલાકાત લીધી
- BCCIએ ઝૂની મુલાકાતની તસવીરો શેર કરી છે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 ક્રિકેટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. બંને ટીમોએ 1-1થી મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરી લીધી છે. 7 અને 8 જુલાઈના રોજ મેચ રમ્યા બાદ ટીમના ખેલાડીઓને આજે એક દિવસનો બ્રેક મળ્યો ત્યારે ખેલાડીઓએ હરારે ઝૂની મુલાકાત લીધી હતી અને મસ્તી કરતા જોવા મળ્યા હતા.
BCCIએ શેર કરી આ તસવીર
BCCIએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી ખેલાડીઓની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં ઝૂના અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ટીમના કેપ્ટન શુભમન ગિલ સહિત ઘણા ખેલાડીઓ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા જોવા મળે છે. આ તસવીર શેર કરતા BCCIએ લખ્યું કે ઝિમ્બાબ્વે ક્રિકેટ અને ઝિમ્બાબ્વે ટુરિઝમના સહયોગથી ભારતીય ટીમ અને તેમના પરિવાર માટે હરારેમાં વન્યજીવ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
એક આફ્રિકન સિંહનો થયો સામનો
આ પ્રાણી સંગ્રહાલયમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો સિંહ સાથે સામનો થયો હતો. રિંકુ સિંહે આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રિંકુ સિંહના આ વીડિયોમાં સિંહનો અવાજ પણ કેદ થયો છે. જ્યારે રિંકુ સિંહે આ વીડિયો બનાવ્યો ત્યારે સિંહ ગર્જના કરી રહ્યો હતો.
આવતીકાલે ત્રીજી મેચ રમાશે
ભારતીય ટીમને ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં ટીમે શાનદાર વાપસી કરી હતી અને 100 રનના માર્જીનથી મોટી જીત નોંધાવી હતી. આવતીકાલે સાંજે બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની તમામ મેચ હરારેમાં જ રમાઈ રહી છે.