- ભારતે T20 સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર પણ કબ્જો કરી લીધો
- ગિલે ધોની અને રોહિતની પરંપરાને આગળ ધપાવી
ભારતે T20 સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર પણ કબ્જો કરી લીધો છે. આ જીત બાદ સોશિયલ મીડિયા પર કેપ્ટન શુભમન ગિલના વખાણ થઈ રહ્યા છે. સિરીઝ જીત્યા બાદ ગિલે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની પરંપરાને આગળ ધપાવી હતી. તેમણે સેલિબ્રેશન દરમિયાન અભિષેક શર્મા અને રેયાન પરાગને ટ્રોફી આપી હતી.
ગિલે કર્યું એમએસ ધોની જેવું કામ
તેમની કેપ્ટનશિપ દરમિયાન, ધોની, રોહિત અને કોહલી સિરીઝ અથવા ખિતાબ જીત્યા પછી ટીમના યુવા ખેલાડીઓને ટ્રોફી આપતા હતા. ગિલે પણ આ કામ કર્યું. તેણે હરારેમાં ઝિમ્બાબ્વે સામેની જીત બાદ યુવા ખેલાડીઓને ટ્રોફી સોંપી હતી. આ સિરીઝમાં રેયાન અને અભિષેકે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. ટીમ ઈન્ડિયાને સિરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી સતત ચાર મેચ જીતી હતી.
સિરીઝમાં ભારતનું શાનદાર પ્રદર્શન
શુભમન ગિલની કપ્તાનીવાળી ભારતીય ટીમને પ્રથમ મેચમાં 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતે બીજી મેચ 100 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 23 રને જીતી લીધી હતી. ભારતે ચોથી મેચ 10 વિકેટે જીતી લીધી હતી. છેલ્લી મેચ 42 રને જીતી હતી.
સિરીઝમાં ગિલે બનાવ્યા સૌથી વધુ રન
નોંધનીય છે કે શુભમન ગિલે આ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 5 મેચમાં 170 રન બનાવ્યા હતા. ગિલે આ સિરીઝ દરમિયાન 20 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. તેણે 3 મેચમાં 141 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર અને મુકેશ કુમારે બોલિંગમાં શ્રેષ્ઠતા દર્શાવી હતી. બંનેએ 8-8 વિકેટ લીધી હતી.