- T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
- ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ
- ટીમના સન્માનને લઈને ચિરાગ શેટ્ટીએ ઉઠાવ્યા સવાલ
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો હતો. ભારતને ICC તરફથી ઈનામની રકમ મળી હતી પરંતુ આ પછી BCCIએ અલગથી ઈનામની જાહેરાત કરી અને પછી રાજ્ય સરકારોએ પણ પોતપોતાની રીતે અલગથી ઈનામની જાહેરાત કરી હતી.
આ બધાની વચ્ચે ભારતના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી ચિરાગ શેટ્ટીએ સરકાર પર મોટો સવાલ ઉઠાવ્યો છે. તેણે કહ્યું છે કે જો ભારતીય ક્રિકેટરોને આટલું સન્માન મળી રહ્યું છે તો તેમને પણ આટલું જ સન્માન મળવું જોઈએ. ચિરાગ શેટ્ટીના મતે તેણે થોમસ કપ જેવી મોટી ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો.
T20 વર્લ્ડકપની સમગ્ર દેશમાં ઉજવણી
વાસ્તવમાં, ભારતીય ટીમે T20 વર્લ્ડકપ જીત્યા બાદ સમગ્ર દેશમાં ઉજવણી થઈ હતી. લોકો આખી રાત આ જીતની ઉજવણી કરતા રહ્યા. જ્યારે ટીમ ઈન્ડિયા પરત આવી ત્યારે મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની ભીડ ઉમટી હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે ખેલાડીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. સ્ટેડિયમ પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું હતું.
થોમસ કપ કોઈ વર્લ્ડકપથી ઓછો નથી - ચિરાગ શેટ્ટી
ચિરાગ શેટ્ટીના કહેવા પ્રમાણે, થોમસ કપ જીતવો એ વર્લ્ડકપ જીતવા જેવું છે. જ્યારે સરકાર વર્લ્ડ કપ વિજેતાઓને સન્માનિત કરે છે, ત્યારે તેમણે મારા પ્રયત્નોને પણ આ સન્માન અને માન્યતા આપવી જોઈતી હતી. હું ક્રિકેટની વિરુદ્ધ નથી. અમે બધાએ ભારતની જીતની ઉજવણી કરી પરંતુ રાજ્ય સરકારે મારું સન્માન પણ કર્યું નહીં, રોકડ પુરસ્કાર તો છોડો.
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે 2022માં ઇન્ડોનેશિયાને હરાવીને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો હતો. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કી રેડ્ડીએ ભારતને ઐતિહાસિક સફળતા અપાવી હતી. આ જીત બાદ ચિરાગ શેટ્ટીએ પોતાનો શર્ટ ઉતારીને સ્ટેન્ડમાં ફેંકી દીધો અને જોરદાર ઉજવણી કરી. ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટનમાં ભારતને ઘણા મેડલ અપાવ્યા છે.