• ભારત સાઉથ આફ્રિકાને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન
  • આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની ઈનિંગ રમી હતી
  • ભારતીય બોલરોએ ડેથ ઓવરોમાં જોરદાર બોલિંગ હતી

ભારતે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની ઈનિંગ રમી હતી, ત્યાર બાદ બોલરોએ ડેથ ઓવરોમાં જોરદાર બોલિંગ કરી અને સાઉથ આફ્રિકાને માત આપી હતી. આફ્રિકાને છેલ્લી 4 ઓવરમાં 26 રનની જરૂર હતી, તેમ છતાં ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી અને ટીમને 7 રનથી જીત અપાવી હતી.

ભારતે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ મેચમાં રોહિત શર્મા, રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે 72 રનની ભાગીદારી ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી હતી. અક્ષર પટેલે 31 બોલમાં 47 અને વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ પણ 16 બોલમાં 27 રનની ઇનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

ડી કોક અને સ્ટબ્સની ભાગીદારી

સાઉથ આફ્રિકા માટે શરૂઆત સારી રહી ન હતી કારણ કે રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામ ચાર રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ અહીંથી ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે 68 રનની ભાગીદારી કરી અને સાઉથ આફ્રિકાને મેચમાં પરત લાવ્યું. સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.

હેનરિક ક્લાસેનની ઈનિંગ એળે ગઈ

સાઉથ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 70 રન હતો ત્યારે હેનરિક ક્લાસેન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો. ક્લાસને અહીંથી ઝડપી બેટિંગ શરૂ કરી અને માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ક્લાસને 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. 15મી ઓવરમાં ક્લાસને અક્ષર પટેલની ઓવરમાં 24 રન ફટકાર્યા હતા. જ્યાંથી મેચ સંપૂર્ણપણે ઊંધી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી 4 ઓવરમાં ભારતે બોલિંગના દમ પર વાપસી કરી હતી.

  • Follow us on: