• ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ
  • બીજા દિવસના અંતે ઈંગ્લેન્ડ ટીમનો સ્કોર 207/2
  • બેન ડકેટની 118 બોલમાં 133 રનની અણનમ ઈનિંગ

રાજકોટ ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 207 રન છે. આ રીતે ઈંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે ભારતથી 238 રન પાછળ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આજની રમતના અંતે ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટ અને જો રૂટ અણનમ પરત ફર્યા હતા. બેન ડકેટ 133 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે જો રૂટ 9 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારત તરફથી રવિ અશ્વિન અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી હતી. રવિ અશ્વિને ઓપનર જેક ક્રાઉલીને આઉટ કર્યો હતો. આ સાથે જ રવિ અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો પાર કર્યો હતો. જેક ક્રાઉલીએ 15 રન બનાવ્યા હતા. ઓલી પોપ 39 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.

ભારતીય ટીમે 445 રન બનાવ્યા

આ પહેલા ભારતનો પ્રથમ દાવ 445 રન પર સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે બીજા દિવસે 5 વિકેટે 326 રનથી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ પ્રથમ દિવસના અણનમ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ આ પછી ધ્રુવ જુરેલ, રવિ અશ્વિન અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આથી ભારતીય ટીમ 445 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી

ભારત તરફથી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદીની ઇનિંગ્સ રમી હતી. રોહિત શર્માએ 131 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. આ સિવાય સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં 62 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વૂડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. રેહાન અહેમદને 2 સફળતા મળી. આ સિવાય જીમી એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે 1-1 વિકેટ લીધી હતી.

  • Follow us on: