• ભારતીય ટીમ પર ICCએ દંડ ફટકાર્યો
  • મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો
  • ભારતીય ટીમે WTCના બે પોઈન્ટ ગુમાવ્યા

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ICCએ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ હારની સાથે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બે પોઈન્ટ પણ ગુમાવ્યા છે.

ICCએ લગાડ્યો દંડ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ મેચ દરમિયાન બે ઓવર ઓછી ફેંકી હતી. તેથી એમિરેટ્સ ICC એલિટ પેનલના મેચ રેફરી ક્રિસ બ્રોડે સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી 2 પોઈન્ટ કપાઈ ગયા છે. આ સાથે ICCએ મેચ ફીના 10 ટકાનો દંડ પણ લગાવ્યો છે.

સ્લો ઓવર રેટ બદલ દંડ

ICCના નિયમો અનુસાર, જો ટીમ નિર્ધારિત સમયમાં ચોક્કસ સંખ્યામાં ઓવર ફેંકવામાં સક્ષમ રહેતી નથી તો તેને સ્લો ઓવર રેટનો ગુનો ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને દરેક ઓવર માટે મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 2 ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે તેને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

WTCના 2 પોઈન્ટ કપાઈ ગયા

ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. સાઉથ આફ્રિકા સામેની હારથી ભારતને ઘણું નુકસાન થયું છે. તેણે મેચ ફીની સાથે 2 પોઈન્ટ પણ ગુમાવ્યા છે. સાઉથ આફ્રિકા હાલ ટોચ પર જોવા મળે છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાનમાં છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા અને બાંગ્લાદેશ ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તે પાંચમા નંબર પર છે.

  • Follow us on: