- શુભમન ગિલનું ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શન
- શુભમન ગિલે 19 ટેસ્ટમાં 994 રન બનાવ્યા
- ગિલે આ વર્ષે ટેસ્ટમાં માત્ર એક સદી ફટકારી
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શુભમન ગિલ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. શુભમન પ્રથમ ઈનિંગમાં 2 અને બીજી ઈનિંગમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ ફોર્મેટમાં તેનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. ગિલ આ વર્ષે માત્ર એક સદી ફટકારી શક્યો છે. બાકીની મેચોમાં તે ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી.
શુભમન ગિલનું ખરાબ પ્રદર્શન
શુભમન ગિલે અત્યાર સુધીમાં કુલ 19 ટેસ્ટ મેચો રમી છે. આ દરમિયાન તેણે 994 રન બનાવ્યા છે. ગિલે 2 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 128 રન છે. ગિલ છેલ્લા બે વર્ષમાં ટેસ્ટની મેચોમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે આ વર્ષમાં 6 ટેસ્ટ મેચો રમી છે. આ દરમિયાન તેણે એક જ ઇનિંગમાં સદી ફટકારી હતી. પંરતુ બાકીની મેચોમાં ફિફ્ટી પણ ફટકારી શક્યો નહોતો. જ્યારે ગિલ 2022માં બે ટેસ્ટ મેચ રમ્યો હતો. તે દરમિયાન પણ તેણે એક સદી ફટકારી હતી અને બાકીની ઇનિંગમાં ફ્લોપ રહ્યો હતો.
શુભમન ટેસ્ટમાં ફલોપ
શુભમને આ વર્ષે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ગિલે આ મેચની પ્રથમ ઇનિંગમાં 21 રન અને બીજી ઇનિંગમાં 5 રન બનાવ્યા હતા. આ પછી અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચ રમ્યા હતા. તેણે આ મેચની એક ઇનિંગમાં 128 રન બનાવ્યા હતા. શુભમને જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે ઘ ઓવલમાં મેચ રમી હતી. તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં 13 અને બીજી ઇનિંગમાં 18 રન બનાવ્યા હતા. આ પછી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 અને 10 રન બનાવ્યા. આ રીતે તે આખું વર્ષ ફ્લોપમાં રહ્યો હતો.
ભારતીય ટીમે યુવા ખેલાડીઓને આપી તક
આ વખતે ટેસ્ટમાં ભારતીય ટીમ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી હતી. અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન મળ્યું નથી. ટીમે યુવા ખેલાડીઓને તક આપી હતી. સાઉથ આફ્રિકા સામેની મેચમાં યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી હતી. શુભમન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.