બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર બેટિંગ કરી છે. જે પણ ખેલાડી ક્રિઝ પર આવે છે, તે ફોર અને સિક્સરનો વરસાદ કરે છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો હવે ભારતીય ટીમ એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનારી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 90 સિક્સર ફટકારી છે અને આ સંખ્યામાં હજુ વધારો થશે.
ભારતનો ટેસ્ટમાં કમાલ
આ પહેલા એક વર્ષમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ મળીને વર્ષ 2022માં કુલ 89 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ભારતીય ટીમે 90 સિક્સરનો આંકડો સ્પર્શીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. એ પણ એક રસપ્રદ તથ્ય છે કે ભારતીય ખેલાડીઓએ આ રેકોર્ડ માત્ર 14 ઇનિંગ્સમાં હાંસલ કર્યો છે.
ભારતે રમી રહ્યું છે 'બેઝબોલ' ક્રિકેટ
આ વર્ષે ખાસ કરીને રોહિત શર્મા, રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ તેમની લાંબી સિક્સર મારવાની ક્ષમતાનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. ઈંગ્લેન્ડના એક વર્ષ પહેલા, ભારતે 2021માં 87 સિક્સર ફટકારી હતી. ખાસ કરીને જો ઈંગ્લેન્ડની વાત કરીએ તો 'બેઝબોલ' માનસિકતાને કારણે ઈંગ્લિશ ટીમના ખેલાડીઓ ઝડપી બેટિંગ કરી રહ્યા છે, પરંતુ ભારતે બતાવ્યું છે કે અસલી 'બેઝબોલ' ક્રિકેટ કોણ રમે છે.
2024માં સૌથી વધુ ટેસ્ટ સિક્સર
વર્ષ 2024માં ભારતે 90 સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાન વર્ષની વાત કરીએ તો આ યાદીમાં ઈંગ્લેન્ડ 60 સિક્સર સાથે બીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ 51 સિક્સર સાથે ત્રીજા સ્થાને છે. ભારતે આ વર્ષે હજુ 8 વધુ ટેસ્ટ મેચ રમવાની છે, તેથી શક્ય છે કે એક વર્ષમાં મહત્તમ સિક્સરનો આંકડો 100ને પાર કરી શકે.
ભારતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન બનાવવા ઉપરાંત ટીમ ઈન્ડિયાએ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ભારતે માત્ર 10.1 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ભારતે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે 12.2 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. એક વર્ષની અંદર ભારતે ફરી આ રેકોર્ડ તોડ્યો. તે સમયે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના રેકોર્ડને તોડી નાખ્યો હતો.