- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ
- રવિચંદ્રન અશ્વિન અચાનક ત્રીજી ટેસ્ટમાંથી બહાર
- અશ્વિને ટેસ્ટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. રાજકોટમાં રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો ઓલરાઉન્ડર ખેલાડી રવિચંદ્રન અશ્વિન આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિને રાજકોટ ટેસ્ટનો પ્રથમ દિવસ જ રમ્યો હતો અને એક વિકેટ લઈને તેની 500મી ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. હવે અશ્વિન આખી સિરીઝમાંથી બહાર છે. મેડિકલ ઈમરજન્સીના કારણે અશ્વિનને ટીમ છોડવી પડી હતી. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું એક દિવસની રમત બાદ પણ ત્રીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાને બીજા કોઈ ખેલાડીનો સમાવેશ કરી શકાય છે.
રાજકોટ ટેસ્ટમાંથી અશ્વિન બહાર
રાજકોટ ટેસ્ટ દરમિયાન રવિચંદ્રન અશ્વિનની બાદબાકીના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. અશ્વિન સ્ટાર ઓલરાઉન્ડર છે, તેની પાસે બોલિંગ વડે અંગ્રેજોની બેટિંગ ધ્વસ્ત કરવાની ક્ષમતા છે, પરંતુ હવે તે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં અશ્વિનના સ્થાને ટીમમાં કોને એન્ટ્રી મળે છે તે જોવું રહ્યું. નોંધનીય છે કે ચોથી મેચમાં અશ્વિનનું રિપ્લેસમેન્ટ આવવાનું નક્કી છે, પરંતુ શું ત્રીજી ટેસ્ટમાં જ અશ્વિનના રિપ્લેસમેન્ટને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય કે નહીં?
MCC નિયમ શું કહે છે?
MCCનો નિયમ 1.2 જણાવે છે કે મેચ દરમિયાન વિરોધી ટીમના કેપ્ટનની સંમતિ વિના કોઈપણ ખેલાડીને બદલી શકાય નહીં. જે ખેલાડીઓ હાલમાં ટીમના સભ્ય છે તેમને જ ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરી શકાય છે. કોઈપણ ખેલાડીની જગ્યાએ કોઈ બહારના ખેલાડીને ટીમમાં લાવી શકાય નહીં. આ સિવાય જો ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ત્રીજી ટેસ્ટમાં અશ્વિનના સ્થાને બોલિંગ કરવા માટે સંમત થાય તો પણ તે ખેલાડી અશ્વિનની જગ્યાએ બોલિંગ કરી શકશે નહીં. તે ખેલાડીનો માત્ર ફિલ્ડર તરીકે સમાવેશ કરવામાં આવશે. અશ્વિનની જગ્યાએ જે પણ ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે તે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ સમાપ્ત થયા પછી જ બોલ અથવા બેટ વડે યોગદાન આપી શકશે.
આ 6 ખેલાડીઓ બેન્ચ પર
આનાથી સ્પષ્ટ છે કે ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિનનું સ્થાન ત્યારે જ લઈ શકે છે જો ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આ માટે સંમત થાય. હાલમાં, આકાશ દીપ, શ્રીકર ભરત, મુકેશ કુમાર, દેવદત્ત પારડીકલ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બેન્ચ પર છે. રોહિત શર્માએ અક્ષર પટેલને ત્રીજી ટેસ્ટ મેચમાંથી બાકાત રાખ્યો છે, તેથી અશ્વિનના સ્થાને વોશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.