- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ
- અક્ષરની જગ્યાએ કુલદીપ યાદવને મળ્યું સ્થાન
- કુલદીપ યાદવે 6 ઓવરમાં 42 રન ખર્ચ્યા હતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટના બીજા દિવસના અંત સુધી ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ દાવમાં ભારતના 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડે બેન ડકેટના અણનમ 133 રનની મદદથી 207 રન બનાવ્યા હતા અને માત્ર બે વિકેટ પડી હતી. ઈંગ્લિશ ટીમ ભારતથી માત્ર 238 રન પાછળ છે. આવી સ્થિતિમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં અક્ષર પટેલને બહાર કરીને કોઈ ભૂલ કરી છે કારણ કે અક્ષર પટેલ સૌરાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને તે ઘણા વર્ષોથી આ મેદાન પર રમે છે. અક્ષર પટેલનું પણ આ હોમ ગ્રાઉન્ડ છે. તે અન્ય ખેલાડીઓ કરતાં રાજકોટની પિચને સારી રીતે સમજવાની ક્ષમતા ધરાવે છે. આમ છતાં તેને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
અક્ષરને બદલે કુલદીપ
રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં અક્ષર પટેલના સ્થાને રવીન્દ્ર જાડેજાને પ્લેઇંગ 11માં સામેલ કર્યો અને વિશાખાપટ્ટનમ ટેસ્ટ રમી રહેલા કુલદીપ યાદવને ફરીથી ટીમમાં સ્થાન મળ્યું. કુલદીપ પ્રથમ દાવમાં બેટથી નિષ્ફળ રહ્યો હતો. અક્ષરના સ્થાને ટીમમાં સામેલ કુલદીપ યાદવને પ્રથમ દાવમાં 7મા નંબર પર બેટિંગ કરવાની તક મળી હતી પરંતુ તે 24 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તેની પાસેથી બોલિંગમાં ભારતને ઝડપી વિકેટ અપાવવાની આશા હતી. પરંતુ તે બોલિંગમાં પણ નિષ્ફળ ગયો અને બોલિંગની 6 ઓવરમાં 42 રન આપી દીધા હતા.
બીજા દિવસની રમતના અંત સુધી કુલદીપ યાદવે 7ની ઈકોનોમી પર રન ખર્ચ્યા છે. જે બાદ રાજકોટની પીચ પર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરવાનો નિર્ણય યોગ્ય હતો કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
અક્ષર પટેલ પ્રથમ બે ટેસ્ટમાં પ્રભાવિત કર્યા
હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ ટેસ્ટ માટે અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હૈદરાબાદ ટેસ્ટમાં તે 9મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 100 બોલમાં 44 રન બનાવ્યા હતા. ત્યારબાદ અક્ષરે પ્રથમ દાવમાં જ 2 વિકેટ ઝડપી હતી. આ પછી, બીજી ઇનિંગમાં, અક્ષરે ફરી એકવાર બેટથી 17 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પણ અક્ષર પટેલે પ્રથમ દાવમાં 27 રન અને 1 વિકેટ અને બીજી ઈનિંગમાં 45 રન અને 1 વિકેટ ઝડપી હતી.