- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી છે
- આ મેચમાં શોએબ બશીરે રોહિત શર્માને આઉટ કર્યો
- રોહિત શર્મા 14 રનના અંગત સ્કોર પેવેલિયન પરત ફર્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના વિઝાટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના સ્પિન બોલર અને ડેબ્યુડન્ટ શોએબ બશીરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત શર્મા માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. બશીરને પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારત માટે વિઝા મળી શક્યા ન હતા. આ મામલો પણ ઘણો વિવાદોમાં રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે શોએબ બશીર પાકિસ્તાની મૂળનો છે, તેથી જ તેને ભારતના વિઝા આપવામાં આવી રહ્યા નથી.
હવે બીજી ટેસ્ટમાં વાપસી કરીને શોએબે રોહિત શર્મા પાસેથી બદલો લઈ લીધો છે. શોએબે રોહિતને સસ્તામાં આઉટ કર્યો હતો. આ વિકેટ શોએબ બશીર માટે પણ ખાસ છે કારણ કે આ ખેલાડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી છે.
રોહિતનું બેટ શાંત
શોએબ બશીરે ભારતની કરોડરજ્જુ કહેવાતા ખેલાડી ભારતીય કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો છે. શોએબે રોહિતની વિકેટ લઈને ભારતને મોટો ઝટકો આપ્યો છે. રોહિત શર્મા અને ઓપનર યશસ્વી જયસ્વાલ ભારતીય ઇનિંગ્સને ધીમી ગતિએ આગળ વધારી રહ્યા હતા, પરંતુ શોએબે 14 રનના અંગત સ્કોર પર રોહિતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રોહિત શર્મા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં કંઈ ખાસ દેખાડી શક્યો નથી. સાઉથ આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ રોહિતે એક પણ ફિફટી ફટકારી ન હતી.
રોહિત શર્મા ફરી ફ્લોપ
રોહિત શર્માએ પણ ઈંગ્લેન્ડ સામે 3 ઈનિંગ્સ રમી છે, પરંતુ તે એક પણ ફિફટી ફટકારી શક્યો નથી. રોહિતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 24 રન બનાવ્યા હતા, ત્યારબાદ આ મેચની બીજી ઈનિંગમાં તે માત્ર 39 રન જ બનાવી શક્યો હતો. આ પછી એવી આશા હતી કે રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં મોટી ઇનિંગ રમશે, પરંતુ વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ રોહિતનું બેટ શાંત રહ્યું અને આ ઇનિંગમાં પણ તે માત્ર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.