• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે
  • ભારતમાં ઈંગ્લેન્ડે છેલ્લા 12 વર્ષથી સિરીઝ જીતી નથી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલે (25 જાન્યુઆરી)થી હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમા રમાશે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમનારી ટેસ્ટ સિરીઝમાં જીતની હેટ્રિક લગાવવાનો પ્રયત્ન કરશે. વાસ્તવમાં આ પહેલા ભારતીય ટીમ ઈંગ્લેન્ડને ઘરઆંગણે સતત 2 ટેસ્ટ સિરીઝમાં હરાવ્યા છે. જો આ સિરીઝ ભારત જીતશે તો તે હેટ્રિક થશે.

ભારતની ધરતી પર ઈંગ્લેન્ડની ટીમની હાલત ખરાબ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં છેલ્લી જીત 2012માં નોંધાવી હતી. ત્યારબાદ 12 વર્ષથી ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે બેન સ્ટોક્સની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ પોતાની બેઝબોલ રમતના આધારે સિરીઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

હેડ ટૂ હેડ રેકોર્ડ

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 35 દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમા ભારતે 11 સિરીઝ જીતી છે, જ્યારે 19 સિરીઝમા હારનો સામનો કરવો પડ્યો છે. જોકે 5 સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં કુલ 131 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમને 31 મેચમા અને ઈંગ્લેન્ડને 50 મેચમા સફળતા મળી છે. બંને વચ્ચે 50 ટેસ્ટ ડ્રો રહી છે. ભારતની ધરતી પર બંને ટીમો વચ્ચે કુલ 64 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ઈંગ્લેન્ડે માત્ર 14માં જ જીત મેળવી છે. જ્યારે ભારતે 22 ટેસ્ટ મેચ જીતી છે. 28 મેચ ડ્રો રહી છે.

ઈંગ્લેન્ડનો ભારતમાં રેકોર્ડ

ભારતના ઘરઆંગણે ઈંગ્લેન્ડનો સારો રેકોર્ડ રહ્યો નથી. ઈંગ્લેન્ડની ટીમે ભારત સામે 16 ટેસ્ટ સિરીઝ રમી છે જેમાંથી માત્ર 5 જ જીતી હતી. ભારતીય ટીમે ઘરઆંગણે 16માંથી 8 ટેસ્ટ સિરીઝમા ઈંગ્લેન્ડને હરાવ્યું છે. જ્યારે બંને ટીમો વચ્ચે 3 સિરીઝ ડ્રો રહી છે.

ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
  • બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
  • ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
  • ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
  • પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાળા

પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), આવેશ ખાન.

ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, શોએબ બશીર, ડેન લોરેન્સ, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ , ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.

  • Follow us on: