- ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે
- આ મેચમાં વરસાદ પડી શકે તેવું સંકટ છે
- અત્યારે બાર્બાડોસમાં વાદળછાયું વાતાવરણ છે
આખરે એ ક્ષણ આવી ગઈ, જેની રાહ કરોડો ક્રિકેટ ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ટુંક સમયમાં જ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ફાઈનલ કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ, બાર્બાડોસ ખાતે રમાશે. આવી પરિસ્થિતિમાં અહીંના હવામાને બંને ટીમોની ટેન્શન વધારી દીધું છે. બાર્બાડોસના હવામાન પર એક મોટું અપડેટ બહાર આવ્યું છે.
બાર્બાડોસમાં વાદળછાયું વાતાવરણ
મળતી માહિતી મુજબ હવામાન થોડું સ્વચ્છ છે, પરંતુ વાદળછાયું છે. આછો તડકો પણ નીકળી રહ્યો છે, પરંતુ પવન પણ જોરથી ફૂંકાઈ રહ્યો છે. બ્રિજટાઉનની આસપાસ થોડા વાદળો છે. આગામી બે કલાક સુધી વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ મેચ દરમિયાન હળવો ઝરમર વરસાદ પડી શકે છે. આ મેચ બાર્બાડોસમાં સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી રમાશે. આવી પરિસ્થિતિમાં ઝાકળ અહીં કોઈ ભૂમિકા ભજવશે નહીં, પરંતુ ભીની આઉટફિલ્ડને કારણે થોડી સમસ્યા થઈ શકે છે.
દિનેશ કાર્તિકે શેર કર્યો વીડિયો
ક્રિકેટર અને કોમેન્ટેટર દિનેશ કાર્તિકે પણ બાર્બાડોસની લેટેસ્ટ સ્થિતિ જણાવવાનો પ્રયાસ કર્યો છે. કાર્તિકે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં હવામાન એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કાર્તિકના મતે હવામાન સાફ છે અને મેચ સમયસર શરૂ થવાની સંભાવના છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ એ પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સ્ટેડિયમની બહાર તડકો દેખાય છે. આ સાથે ફેન્સ પણ ભેગા થવા લાગ્યા છે.
રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે
તમને જણાવી દઈએ કે શુક્રવારે બાર્બાડોસમાં વરસાદ પડ્યો હતો. જેણે ફેન્સનું ટેન્શન વધાર્યું. જો કે મેચ દરમિયાન વરસાદની 60 ટકા સંભાવના છે, પરંતુ શનિવારે પણ મેચ પૂર્ણ થવા માટે વધારાની 190 મિનિટ બાકી રહેશે. આ ઉપરાંત આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એટલે કે જો આજે મેચ શક્ય નથી તો રવિવારે યોજાશે. રિઝર્વ ડે પર 190 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં, આ મેચ કોઈપણ સંજોગોમાં પૂર્ણ થવાની આશા છે. વરસાદને કારણે મેચ રદ્દ થાય તો પણ બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે.