- ઝિમ્બાબ્વે બાદ હવે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે ભારતીય ટીમ
- T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે
- T20માં કેપ્ટનશિપને લઇ પસંદગી સમિતિની ચિંતા વધી
ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર T20 અને ODI સિરીઝ રમવાની છે. T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. પરંતુ હજુ સુધી BCCIએ ટી20 કે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી.
કેપ્ટનપદની રેસમાં સૂર્યકુમાર યાદવ આગળ
ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ એવા અહેવાલો છે કે T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવ હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે BCCI પાસે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાની માંગ કરી છે. પરંતુ હવે આ વાર્તામાં નવો વળાંક આવ્યો છે.
ગંભીરે નથી કરી આ માંગ
અહેવાલો અનુસાર BCCIના અધિકારીએ કહ્યું કે ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાની સીધી વાત કરી નથી. જો કે, ગંભીરે નિશ્ચિતપણે કહ્યું હતું કે તે ટી-20માં એવો કેપ્ટન ઈચ્છે છે જેના કામનો બોજ તેના માટે અડચણ ન બને. જોકે, પસંદગી સમિતિ હાર્દિકને કેપ્ટન બનાવવાના પક્ષમાં હતી, કારણ કે હાર્દિક ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. આ ટૂર્નામેન્ટમાં હાર્દિકનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાર્દિકની ઇજાઓ બની મુસિબત
હાર્દિકની ઈજા ગમે ત્યારે તેના માટે ચિંતાનો વિષય બની જાય છે. આ પહેલા ODI વર્લ્ડકપ 2023માં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જે બાદ તેને લગભગ 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેવું પડ્યું હતું. IPL 2024માં હાર્દિક મેદાનમાં પાછો ફર્યો હતો પરંતુ આ સિઝન તેના માટે ખૂબ જ ખરાબ રહી હતી.
મુંબઇ ઈન્ડિયન્સનો કેપ્ટન છે હાર્દિક
કેપ્ટન તરીકે હાર્દિકની પ્રથમ સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની સૌથી ખરાબ સીઝન બની હતી. જો કે આ પછી હાર્દિકે વર્લ્ડ કપમાં શાનદાર વાપસી કરી હતી. હવે જોવાનું એ રહે છે કે શ્રીલંકા સાથે રમાનારી ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે?