- 5 T-20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝની જીત
- 3-2થી વેસ્ટ ઈન્ડીઝ સીરિઝ જીત્યું
- નિકોલસ પૂરને હાર્દિક પંડ્યાને આપ્યો જવાબ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ, વનડે અને T-20 સીરિઝ રમવામાં આવી હતી. જેમાં ટેસ્ટ અને વનડે સીરિઝમાં ભારતીય ટીમની જીત થઈ છે, જ્યારે T-20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝની 3-2થી જીત થઈ છે. વેસ્ટ ઈન્ડીઝને આ જીત નિકોલસ પૂરનની આક્રામક બેટિંગના કારણે મળી છે, ત્યારે હવે નિકોલસ પૂરને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાને ઈશારો કરીને જવાબ આપ્યો છે. જેમાં પૂરને હાર્દિકને મો બંધ રાખવા સલાહ આપી છે.
નિકોલસ પૂરને વીડિયો શેર કર્યો
નિકોલસ પૂરને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અકીલ હુસેન સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે મો બંધ રાખવાનો ઈશારો કરી રહ્યા છે. આ વીડિયો શેર કરવા સાથે પૂરને લખ્યું કે, જેને ખ્યાલ છે, એને ખ્યાલ જ છે. ઉલ્લેખનીય છે કે, પૂરને આ સીરિઝમાં સૌથી વધુ 176 રન બનાવ્યા છે. જેથી તેમને પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ મળ્યો છે.
હાર્દિકે પૂરનને લઈ આપ્યું હતું નિવેદન
પૂરનના આ વીડિયો પાછળ કેપ્ટન હાર્દિક પંડ્યાનું એ નિવેદન જવાબદાર છે, જે તેમણે ત્રીજી T-20 મેચમાં જીત બાદ આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, જો નિકોલસ પૂરન મને મારવા માંગે છે, તો મારવા દો. આ અમારી સ્ટ્રેટેજી છે. હું આવી મેચનો આનંદ ઉઠાવું છું અને હું જાણું છું કે, પૂરન આ વાત સાંભળીને ચોથી T-20 મેચમાં મારા વિરુદ્ધ વધુ આક્રામક બેટિંગ કરવાનો પ્રયાસ કરશે.
પૂરનને મળ્યો પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ
5મી T-20 મેચમાં જ્યારે વેસ્ટ ઈન્ડીઝની ટીમ 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી, તો 12 રનના સ્કોરે તેણે પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે બાદ નિકોલસ પૂરને બ્રેંડન કિંગ સાથે મળીને બીજી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી હતી. પૂરને 35 બોલમાં 47 રનની ઈનિંગ રમી હતી. જેમાં 1 ફોર અને 4 સિક્સ સામેલ હતા. આ મેચમાં પૂરને હાર્દિક પંડ્યાની ઓવરમાં 2 સિક્સ ફટકારી હતી.