- ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ટેસ્ટ મેચ
- આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું છે
- ભારતીય ટીમે બીજી વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી
ભારતીય મહિલા ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ સિરીઝના રમતના ચોથા દિવસે 10 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને આ મેચની ચોથી ઈનિંગમાં 37 રનનો ટાર્ગેટ હતો, જેને શેફાલી વર્મા અને શુભા સતીશની ઓપનિંગ જોડીએ કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો.
ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે ટીમે 10 વિકેટે ટેસ્ટ મેચ જીતી હોય. ઘરઆંગણે ટીમ ઈન્ડિયાએ બીજી વખત આ સિદ્ધિ મેળવી છે. બીજી ઇનિંગમાં શેફાલી વર્માએ અણનમ 24 રન અને શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.
ભારતની શાનદાર બેટિંગ
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 603 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી, બેટિંગ કરવા આવેલી સાઉથ આફ્રિકાની મહિલા ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 266 રન સુધી જ સિમિત રહી હતી, જેમાં ભારત વતી સ્નેહ રાણાનું બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેણે 25.3માં 77 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. 84.3 ઓવરમાં 266 રન બનાવીને સાઉથ આફ્રિકાની ટીમને ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બીજી ઇનિંગમાં તેમની તરફથી વધુ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. જો કે આ મેચમાં ટીમ પોતાની હારને બચાવી શકી ન હતી. આફ્રિકન ટીમ માટે બીજા દાવમાં સુને લુસે 109 રન અને કેપ્ટન વોલ્વાડાર્ટે 122 રન બનાવ્યા હતા, જેની મદદથી ટીમ 373 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.
ત્રણ બોલરોએ 2-2 વિકેટ લીધી
સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે ભારતની બીજી ઈનિંગમાં ત્રણ બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં તેણે 2-2 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણાએ આ મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. જો આ મેચમાં ભારતીય ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો શેફાલી વર્માએ પ્રથમ દાવમાં 205 રન બનાવ્યા હતા જ્યારે સ્મૃતિ મંધાનાએ પ્રથમ દાવમાં 149 રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષે 86 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 69 રનની ઇનિંગ રમી હતી.