- મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝ
- સીરીઝની બીજી મેચ આજે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે
- પ્રથમ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે શાનદાર જીત
મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝની બીજી મેચ રવિવારે રમાશે. આ મેચ ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈમાં યોજાશે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમે સિરીઝની પ્રથમ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા કદાચ બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. ભારત તરફથી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર ફિફટી ફટકારી હતી.
આ બેટ્સમેનને મળશે તક
મંધાના અને શેફાલી બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે. શેફાલીએ છેલ્લી મેચમાં અણનમ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 44 બોલનો સામનો કરીને 6 ફોર અને 3 સિકસર ફટકારી હતી. જ્યારે સ્મૃતિએ 52 બોલમાં 54 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા નંબર 3 પર જેમિમાહ રોડ્રિગ્ઝને તક આપી શકે છે. જેમિમાએ ઓસ્ટ્રેલિયા સહિત ઘણી ટીમો સામે જોરદાર પ્રદર્શન કર્યું છે.
આ બોલરને મળશે તક
ટીમ ઈન્ડિયા બોલિંગ આક્રમણમાં તિતાસ સાધુ, શ્રેયંકા પાટિલ અને દીપ્તિ શર્માને સામેલ કરી શકે છે. આ ત્રણેય ખેલાડીઓએ છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિતાસે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. માત્ર 19 વર્ષની તિતાસનો અત્યાર સુધી સારો રેકોર્ડ રહ્યો છે. દીપ્તિ વિશે વાત કરીએ તો તે અનુભવી છે. તેથી ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11
ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, રેણુકા ઠાકુર સિંહ, તિતાસ સાધુ
ઑસ્ટ્રેલિયા: એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), બેથ મૂની, તાહલિયા મેકગ્રા, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, ફોબી લિચફિલ્ડ, ગ્રેસ હેરિસ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહેમ, મેગન શૂટ, ડાર્સી બ્રાઉન