- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે પ્રથમ ત્રણ મેચ જીતી
- વર્લ્ડકપના નોકઆઉટ મુકાબલામાં ભારતનો રેકોર્ડ ખરાબ
- ભારતે વર્લ્ડકપમાં 17 લીગ મેચમાં માત્ર એક મેચ હારી
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે પ્રથમ ત્રણ મેચ જીતી છે. ભારત 2011માં ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યારથી, લીગ મેચોમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, પરંતુ નોકઆઉટમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
17 લીગ મેચોમાં માત્ર 1 મેચ હારી
2011ના વર્લ્ડકપ બાદ ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં કુલ 17 લીગ અને 2 નોકઆઉટ મેચ રમી છે. ટીમ 17 લીગ મેચોમાં માત્ર 1 મેચ હારી છે, જ્યારે ભારતને બંને નોકઆઉટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. 2015ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં ભારતને 95 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ 2019ની ટૂર્નામેન્ટમાં ભારતને સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમે જીતની હેટ્રિક લગાવી
ભારતે 2015 વર્લ્ડ કપમાં 6 લીગ મેચ રમી હતી, જેમાં ટીમે તે તમામમાં જીત મેળવી હતી. આ પછી, 2019 ODI વર્લ્ડ કપમાં, ભારતે 8 લીગ મેચ રમી (કુલ 9માંથી, એક વરસાદને કારણે રદ કરવામાં આવી), જેમાં ટીમ ઈંગ્લેન્ડ સામે માત્ર એક મેચ હારી હતી. આ વખતે ઘરઆંગણે રમાઈ રહેલા 2023 વર્લ્ડકપમાં ભારતીય ટીમે ત્રણ મેચ રમી છે, જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે જીતની હેટ્રિક લગાવી છે. આ રીતે, 2011 ODI વર્લ્ડ કપ પછી, ટીમ ઇન્ડિયાએ 17 લીગ મેચોમાંથી 16 જીતી છે અને 2 નોકઆઉટમાં બંને હારી છે. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ રોહિતલ શર્માની કેપ્ટનશીપ હેઠળ રમી રહી છે. આગાઉ 2019ના વર્લ્ડકપમાં ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમી હતી.