- ભારતીય હોકી ટીમે જાપાનને 4-2થી હરાવ્યું
- ભારતીય ટીમ પૂલ Aની તમામ મેચ જીતી
- હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર
ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સની પૂલ A મેચમાં જાપાનને 4-2થી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પૂલ Aની અત્યાર સુધીની ત્રણેય મેચો જીતી લીધી છે. ભારતીય હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યા બાદ સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. હવે જાપાનને હરાવીને ભારતીય પુરૂષ હોકી ટીમે સેમીફાઇનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ હવે 30 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે.
ભારતે પ્રથમ ક્વાર્ટરમાં કર્યો 1 ગોલ
ભારતીય ટીમને પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રથામ ક્વાર્ટરની 13મી મિનિટે ભારતે પ્રથમ ગોલ કર્યો હતો. ભારત માટે આ ગોલ અભિષેકે કર્યો હતો. જાપાનના ખેલાડીઓએ પણ આ દરમિયાન ગોલ કરવાનો ખુબ પ્રયાસ કર્યો હતો, પરંતુ જાપાનના ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
બીજા ક્વાર્ટરમાં કેપ્ટન મનદીપે કર્યો ગોલ
બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમને લગભગ 9 મિનિટ બાદ ગોલ કરવામાં સફળતા મળી હતી. મેચની 24મી મિનિટે કેપ્ટન મનદીપ સિંહે શાનદાર ગોલ કર્યો હતો. નીલકાંત તરફથી મળેલા પાસ પર મનદીપે કોઈ ભૂલ કરી ન હતી અને ગોલ કરીને ભારતની લીડ મજબૂત કરી હતી. જે બાદ ભારતીય ટીમ આ ક્વાર્ટરમાં વધુ ગોલ કરી શકી નહતી.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 3-0ની લીડ મેળવી
ત્રીજા ક્વાર્ટરમાં ભારતને ગોલ માટે વધુ રાહ જોવી પડી નહતી. મેચની 35મી મિનિટે અમિત રોહિદાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. રોહિદાસે હાર્દિકના લોન્ગ પાસ અને સુખજીતના પાસનો લાભ ઉઠાવ્યો અને ડ્રેગ ફ્લિક પર શાનદાર ગોલ કર્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં જાપાનની નિષ્ફળ વાપસી
જાપાને ચોથા ક્વાર્ટરમાં વાપસીનો પ્રયાસ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ભારત માટે અભિષેકે મેચની 48મી મિનિટે ગોલ કરીને લીડ વધારીને 4-0 કરી હતી. જો કે, મેચના અંતિમ સમયમાં જાપાને 2 ગોલ કરીને વાપસીનો પ્રયાસ કર્યો હતો. જાપાન માટે ગેન્કીએ 56મી મિનિટે અને તાકાશીએ 57મી મિનિટે ગોલ કર્યો હતો.