- એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમની જીત
- ભારતીય ટીમ પાકિસ્તાનને 10-2થી હરાવ્યું
- ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી
ચીનના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે પુરૂષ હોકીમાં પાકિસ્તાનને 10-2થી હરાવ્યું છે. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સતત ચોથી જીત મેળની છે. આ સાથે જ ભારત સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થયું છે. હવે પૂલ-Aની છેલ્લી મેચમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ, જ્યારે વરુણે 2 ગોલ કર્યા છે. લલિત, શમશેર, મનદીપ અને સુમીતે એક-એક ગોલ કર્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની હોકી મેચમાં આ પ્રથમ વખત બન્યું છે, જેમાં કોઈ એક ટીમે 10 ગોલ કર્યા છે.
8મી મિનિટે ભારતનો પ્રથમ ગોલ
પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 8મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. મનદીપ સિંહે ફિલ્ડ ગોલ કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને 1-0ની લીડ અપાવી હતી. જે બાદ 11મી મિનિટે પાકિસ્તાની ગોલકીપરના ફાઉલ પર ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેના પર કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતીય ટીમને 2-0ની લીડ અપાવી હતી. જે બાદ પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમે 2-0ની લીડ બનાવી રાખી હતી.
17મી મિનિટે ભારતે કર્યો બીજો ગોલ
બીજા ક્વાર્ટરની 17મી મિનિટે ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ડ્રેગ ફ્લિકથી શાનદાર ગોલ કર્યો અને ટીમ ઈન્ડિયાને 3-0ની લીડ અપાવી હતી. જે બાદ 30મી મિનિટે બીજા ક્વાર્ટરની અંતિમ મિનિટમાં સુમિત, લલિત અને ગુરજંતની જુગલબંધીએ ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. જેથી હાફટાઈમ સુધી ભારતે પાકિસ્તાન પર 4-0થી લીડ મેળવી હતી.
33મી મિનિટે ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો
ત્રીજા ક્વાર્ટરમાં 33મી મિનિટે પાકિસ્તાનના ફાઉલ પર ભારતને વધુ એક પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેના પર કેપ્ટન હરમનપ્રીતે ગોલની હેટ્રીક પૂર્ણ કરી હતી. જે બાદ 34મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ડ્રૈગ ફ્લિકથી ગોલ કરીને હરમનપ્રીતે પોતાનો ચોથો ગોલ કર્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં ભારતે 3 ગોલ કર્યા
ભારતના શમશેરે ચોથા ક્વાર્ટરની 46મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કર્યો હતો. આ મેચમાં ભારતનો આ 8મો ગોલ હતો. આ પછી 49મી મિનિટે લલિત ઉપાધ્યાયે જરમનપ્રીત સિંહ તરફથી ગોલ કરીને ભારતની લીડ 9-2થી વધારી દીધી હતી. જે બાદ 53મી મિનિટે વરુણે મેચનો પોતાનો બીજો અને ભારતનો 10મો ગોલ કર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 10-2થી હરાવ્યું છે..
શાનદાર ફોર્મમાં ટીમ ઈન્ડિયા
ભારતનું એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન રહ્યું તે. ભારતે પૂલ-Aમાં અત્યાર સુધીની તમામ ચાર મેચ જીતી છે. સાથે પાકિસ્તાનની ટીમે ભારત સામેની મેચ પહેલા પૂલ લેગમાં તેની ત્રણેય મેચ જીતી હતી. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. ભારતે પૂલ-Aની મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. જે બાદ હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમે સિંગાપુરને 16-1થી હરાવીને સતત બીજી જીત મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 4-2થી હરાવીને જીતની હેટ્રિક લગાવી હતી. હવે ભારતે પાકિસ્તાનને હરાવીને જીત મેળવવાનો સિલસિલો યથાવત રાખ્યો છે.