- રોહિત શર્માએ અમેરિકામાં વેકેશનની મજા માણી
- પરિવાર સાથે ફરવા ગયા ઈન્ડિયન ટીમના કેપ્ટન
- પાકિસ્તાની બોલર અંગે આપ્યું નિવેદન
વર્લ્ડકપમાં સૌથી મોટી જંગ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં જોવા મળી શકે છે. તમામ ક્રિકેટ ફેન્સ આ બંને ટીમ વચ્ચે થનારી મેચની રાહ જોઈ રહ્યા છે. 2 સપ્ટેમ્બરે એશિયા કપ 2023માં બંને વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલ મેદાન પર મેચ જોવા મળશે. આ ટૂર્નામેન્ટને લઈ પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જ્યારે ભારતીય ટીમે ખેલાડીઓની જાહેરાત કરી નથી. આ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાની બોલર્સને લઈ આપેલો જવાબ વાયરલ થયો છે.
કાર્યક્રમમાં આપી હાજરી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડીઝમાં વનડે સીરિઝ પૂર્ણ થયા બાદ પોતાના પરિવાર સાથે અમેરિકા ગયા હતા. અમેરિકામાં એક કાર્યક્રમમાં રોહિત શર્માને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં રોહિત શર્માને પાકિસ્તાનના બોલર અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, પાકિસ્તાનના તમામ બોલર્સ સારા છે. હું કોઈનું નામ લઈશ નહીં. નામ લેવા પર વિવાદ થતો હોય છે. હું કોઈ એકનું નામ લઈશ તો બીજા કોઈને સારૂં નહીં લાગે. જેથી તમામ બોલર સારા છે.
પાકિસ્તાનને હરાવવું સરળ નથી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ સવાલનો જવાબ સાવધાનીપૂર્વક આપ્યો હતો, પરંતુ તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, પાકિસ્તાનની ટીમ સારી છે, તેને હરાવવા માટે તમારે તમારૂં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ભારત એશિયાકપમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે. આ ઉપરાંત ભારત 2 વખત વધુ પાકિસ્તાન સામે ટકરાઈ શકે છે. આ ઉપરાંત વનડે વર્લ્ડકપમાં બંને ટીમ વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે.