- વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં 2-0થી આગળ
- બીજી મેચમાં તિલક વર્માએ ફટકારી ફિફ્ટી
- રાહુલ દ્રવિડની કરી પ્રશંસા
ભારતીય યુવા બેટ્સમેન તિલક વર્માએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની મેચમાં ફિફ્ટી ફટાકારી છે. તિલકને બાદ કરતાં આ મેચમાં બીજા કોઈ ખેલાડી સારૂં પ્રદર્શન કરી શક્યા નહતા, ત્યારે મેચ બાદ તિલક વર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે રોહિત શર્મા અને સુરેશ રૈનાને પોતાની પ્રેરણા ગણાવ્યા છે.
ભારત મેચ હાર્યું
તિલક વર્માએ બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. જો કે, તિલકની ફિફ્ટી બાદ પણ ભારત આ મેચ હાર્યું છે. મેચ બાદ તિલક વર્માએ કહ્યું કે, રોહિત ભાઈ હંમેશા મને રમતની મજા લેવાનું કહે છે. તે હંમેશા જણાવે છે કે, મારે કેવી રીતે રમવું જોઈએ.
'મારા આત્મવિશ્વાસમાં વધારો થયો'
તેમણે આગળ કહ્યું કે, નાનપણથી જ સુરેશ રૈના ભાઈ અને રોહિત ભાઈ મારી પ્રેરણા છે. હું મોટાભાગનો સમય રોહિત ભાઈ સાથે વિતાવું છું. મારી પ્રથમ IPLમાં રોહિત ભાઈએ કહ્યું હતું કે, તિલક તમામ ફોર્મેટમાં રમી શકે છે. આ વાતથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.
નિકોલસ પૂરનને જીતનો શ્રેય
બીજી મેચ અંગે તિલક વર્માએ કહ્યું કે, વિકેટ ધીમી હતી અને પહેલાં અમને લાગ્યું કે, 150-160નો સ્કોર સારો રહેશે. વેસ્ટ ઈન્ડીઝની જીત માટે નિકોલસ પૂરનને શ્રેય જાય છે. પૂરને શાનદાર બેટિંગ કરી છે. અમે જાણતા હતા કે, એક વિકેટ મળશે, તો મેચ અમે બચાવી લઈશું. કારણ કે, વિકેટ સરળ નહતી.
સમાયરાના નામે ફિફ્ટીની ઉજવણી
તિલક વર્માએ ફિફ્ટી ફટકાર્યા બાદ આ ફિફ્ટીની ઉજવણી રોહિતની દીકરી સમાયરાને સમર્પિત કરી છે. તેમણે કહ્યું કે, આ સેમી માટે હતી. હું તેની ખુબ નજીક છું. મેં તેને કહ્યું હતું કે, હું જ્યારે પણ ફિફ્ટી કે સદી ફટકારીશ, ત્યારે ઉજવણી તેના નામે હશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સરળ નથી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત અંગે વર્માએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સરળ નથી. આમાં સારૂં પ્રદર્શન કરવું પડે છે. મેદાન પર અને તેની બહાર અનુશાસનની જરૂર પડે છે. જો આ તમામ ઠીક રહે તો પરિણામ પણ સારૂં મળે છે. તેમણે ભારતના કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરતા જણાવ્યું કે, હું અંડર 19 વર્લ્ડકપના દિવસોથી રાહુલ સર સાથે વાતચીત કરી રહ્યો છું. તે હંમેશા મને કહે છે કે, તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં.