- શનિવારે મેચમાં વરસાદ આવતા મેચ ડ્રો રહી
- પાકિસ્તાની ખેલાડીઓ બેટિંગ કરી શક્યા ન હતા
- 10 સપ્ટેમ્બરે ફરી રમાશે ભારત-પાકિસ્તાનની મેચ
જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાનમાં ઉતરે છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. આ બંને વચ્ચે એશિયા કપ-2023ની ગ્રૂપ મેચ શનિવારે રમાઈ હતી પરંતુ વરસાદને કારણે રમત પૂર્ણ થઈ શકી ન હતી અને અનિર્ણિત રહી હતી. મેચમાં ભારતીય ટીમે બેટિંગ કરી હતી, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાની બેટ્સમેનો મેદાનમાં ઉતરી શક્યા ન હતા. આ સમયે ભારત અને પાકિસ્તાનના કરોડો અને અબજો ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.
વરસાદે ચાહકોની મજા બગાડી હતી
એશિયા કપમાં શનિવારે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની હતી. વરસાદની આગાહી પહેલેથી જ હતી. ખરાબ હવામાન અને વરસાદના કારણે અમુક સમય માટે વિક્ષેપ સર્જાયો હતો. ભારતીય ટીમની બેટિંગ પૂરી થઈ ગઈ હતી પરંતુ તે પછી વરસાદને કારણે પાકિસ્તાનના બેટ્સમેન મેદાનમાં ઉતરી શક્યા ન હતા. આખરે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. કરોડો અને અબજો ચાહકો નિરાશાથી ભરાઈ ગયા. હવે ફરીથી આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા જોવા મળશે.

સુપર-4 માટે પાકિસ્તાનની ટિકિટ
ચાહકોને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા મળી શકે છે. વરસાદના કારણે મેચ અનિર્ણિત રહી હોવા છતાં બાબર આઝમની કપ્તાનીવાળી ટીમને સુપર-4ની ટિકિટ મળી ગઈ હતી. ભારતીય ટીમ હજુ અટવાયેલી છે. નેપાળ સામેની મેચ જીત્યા બાદ તેને સુપર-4માં સ્થાન મળશે. જો કે, જો આ મેચ વરસાદને કારણે રદ્દ થશે તો પણ રોહિત શર્મા એન્ડ કંપની સુપર-4 માટે ક્વોલિફાય થશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે.
તારીખ કરાઈ જાહેર
મળતી માહિતિ અનુસાર પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને ભારતીય ટીમ નેપાળ સામેની મેચ જીતે તેવી પૂરી સંભાવના છે, આવી સ્થિતિમાં બંને ટીમો ફરી એકવાર સુપર-4માં ટકરાશે. હવે ભારત અને પાકિસ્તાન ગ્રુપ બીની અન્ય બે ટીમો સાથે જોડાશે અને આગામી રાઉન્ડમાં જશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ગ્રુપ A (ભારત, પાકિસ્તાન, નેપાળ) ની બે ક્વોલિફાઈંગ ટીમો સુપર 4માં એકબીજાનો સામનો કરશે. આ મેચ 10મી સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ યોજાશે, જે કોલંબોમાં રમાવાની છે.

ફાઈનલમાં પણ ટક્કર થઈ શકે છે
એશિયા કપની ફાઇનલ મેચ માટે ક્વોલિફાય કરનારી બે ટીમો ભારત અને પાકિસ્તાન બની શકે તેવી પણ પ્રબળ સંભાવના છે. હાલમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ અન્ય 3 ટીમો છે, જે હાલમાં સુપર-4 તબક્કામાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. એશિયા કપની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. ભારતે એશિયા કપની પોતાની પ્રથમ મેચ કેન્ડીમાં પાકિસ્તાન સામે રમી હતી. મેન ઇન ગ્રીનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાહીન શાહ આફ્રિદીએ 4 જ્યારે નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. ભારત માટે વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઇશાન કિશન સદી ચૂકી ગયા.