- ભારતીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે ફાઇનલ રમાશે
- ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની આ છેલ્લી મેચ હશે
- રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ એશિયા કપ જીતી
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે ભારતીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. આ મુકાબલો બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં થશે. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની આ છેલ્લી મેચ હશે. આ પછી રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ખિતાબ જીતીને દ્રવિડને વિદાય ભેટ આપવા માંગશે. દ્રવિડે T20 વર્લ્ડકપ 2021ના અંત પછી મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. તેમણે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી.
ICC ટ્રોફી જીતી શક્યા નથી દ્રવિડ
રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ એશિયા કપ જીતી હતી, પરંતુ ICC ટ્રોફી જીતી શકી નહોતી. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન, ટીમ ઇન્ડિયાએ 3 ICC ઇવેન્ટમાં ભાગ લીધો હતો (T20 વર્લ્ડકપ 2024 સિવાય). આ સમયગાળા દરમિયાન મેન ઇન બ્લુ પણ બે વખત ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતવામાંથી ચૂકી ગઇ હતી. હવે ટીમ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે, આવી સ્થિતિમાં રોહિત શર્મા ખિતાબના દુકાળને ખતમ કરવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયાએ ખિતાબનું સપનું તોડ્યુ
દ્રવિડ મુખ્ય કોચ બન્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં પહોંચી હતી. ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. આ પછી, ODI વર્લ્ડકપ 2023 રમાયો. ભારતની યજમાનીમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં પણ રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી અને ફાઇનલમાં પહોંચી હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને ભારતનું ટાઈટલ જીતવાનું સપનું રોળ્યું હતું.
ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર
ભારતીય ટીમે પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ 2022 રમ્યો હતો જ્યારે દ્રવિડ મુખ્ય કોચ હતો. ટીમ આ આઈસીસી ઈવેન્ટની સેમીફાઈનલમાં પણ પહોંચી હતી. જો કે નોક આઉટ મેચમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, ભારતીય ટીમે દ્રવિડના કોચિંગ હેઠળ ફર્સ્ટ ક્લાસ પ્રદર્શન કર્યું છે, હવે ટીમને માત્ર ખિતાબનો દુષ્કાળ ખતમ કરવાની જરૂર છે. ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડકપ અને 2013માં છેલ્લું ICC ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો.