- ત્રીજી ODIમાં ભારતે ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું, શ્રેણી 3-0થી જીતી
- દર્શકો નાચતા અને ત્રિરંગો લહેરાવતા સ્ટેડિયમની બહાર આવ્યા
- 'ભારત માતા કી જય' અને 'વર્લ્ડ કપ જીતેગા ઈન્ડિયા'ના નારા લાગ્યા
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો હતો. ત્રીજી ODI ક્રિકેટ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા હવે ODI ક્રિકેટમાં વિશ્વની નંબર વન ટીમ બની ગઈ છે. ભારત પહેલાથી જ T20માં નંબર વન ટીમ છે. ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બીજા નંબરે છે.
ભારતની સળંગ 7મી ODI જીત
ભારતે ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ODI શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1988 અને 2010માં પણ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતીને ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતની આ સળંગ 7મી ODI જીત છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ODIમાં ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે ત્રણ ODI શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે.

385 રનનો વિશાળ સ્કોર
ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતી હોલકર સ્ટેડિયમની પીચ પર ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે નવ વિકેટ ગુમાવીને 385 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 78 બોલમાં 112 રન બનાવ્યા હતા જ્યારે રોહિત શર્માએ 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ બંને સિવાય હાર્દિક પંડ્યાએ પણ સારી બેટિંગ કરી હતી. તેણે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી આજે ચાલી શક્યો ન હતો. તે માત્ર 36 રન જ બનાવી શક્યો હતો.
કિવી ટીમ 295 રનમાં ઓલઆઉટ
ન્યુઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને બ્લેર ટિકનરે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવોન કોનવેએ 138 રનની સદી ફટકારી હતી. પરંતુ પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. કોનવે ઉપરાંત હેનરી નિકોલ્સે 42 અને માઈકલ બ્રેસવેલે 26 રન બનાવ્યા હતા.

સ્ટેડિયમમાં ઉજવણી
મેચ પૂરી થતાં જ હોલકર સ્ટેડિયમની બહાર ઉજવણી શરૂ થઈ ગઈ હતી. દર્શકો નાચતા અને ત્રિરંગો લહેરાવતા સ્ટેડિયમની બહાર આવ્યા હતા. ફેન્સ ભારત માતા કી જય અને વર્લ્ડ કપ જીતેગા ઈન્ડિયાના નારા લગાવી રહ્યા હતા. સમગ્ર વિસ્તાર ઉત્સાહના વાતાવરણમાં તરબોળ જોવા મળ્યો હતો.