- રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 87 રન બનાવ્યા
- જો રૂટે 79 રનમાં 4 વિકેટ ઝડપી છે
- અક્ષર પટેલે પણ 44 રનનું યોગદાન આપ્યું
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આજે (27 જાન્યુઆરી) મેચનો ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયા 436 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં 190 રનની લીડ થઈ ગઈ છે.
ભારતની મજબૂત સ્થિતિ
પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 87 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 79 રનમાં 4 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલએ 86 રન, યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં માત્ર 246 રન બનાવ્યા હતા. ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડનું બેઝબોલ ક્રિકેટ સંપૂર્ણપણે પડી ભાંગ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા.
બીજા દિવસે શું રહી સ્થિતિ
આ પહેલાં બીજા દિવસના અંત સુધીમાં, ટીમ ઇન્ડિયાએ મેચમાં બેટિંગ કરીને બોર્ડ પર 421/7 રન બનાવ્યા હતા, જેની સાથે ભારતે 175 રનની લીડ મેળવી લીધી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ક્રિઝ પર હતા. ભારત તરફથી ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે 123 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. સિક્સર મારવાના પ્રયાસમાં રાહુલે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ સિવાય ઓપનિંગ કરવા આવેલ યશસ્વી જયસ્વાલ પણ બીજા દિવસે 74 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવીને આઉટ થયો હતો.
જ્યારે પહેલા દિવસે હૈદરાબાદમાં ગુરુવારે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 64.3 ઓવરમાં 246 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન બેન સ્ટોક્સે 70 રન બનાવ્યા, અન્ય કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહને 2-2 સફળતા મળી છે. ભારતે પહેલા જ દિવસે પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ટીમે એક વિકેટના નુકસાને 119 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન રોહિત શર્મા આઉટ થયો હતો.