- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે કર્યું શાનદાર પ્રદર્શન
- ફાઈનલ મેચમાં ભારતીય ટીમની થઈ હતી હાર
- ભારતની હારને લઈ માસૂમ બાળકને દાખલ કરવો પડ્યો
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંત સારો રહ્યો નહતો. રોહિત શર્માના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી સેમીફાઈનલ સુધી તમામ 10 મેચમાં જીત મેળવી હતી, પરંતુ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમની હાર થઈ હતી. આ હારના કારણે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની શકી નહતી. જેના કારણે કરોડો ભારતીય ફેન્સના દિલ તૂટ્યા હતા.
ભારતની હારથી રડ્યું બાળક
ભારતની આ હાર બાદ ભારતીય ક્રિકેટર્સ સાથે ભારતીય ક્રિકેટના કરોડો ફેન્સ પણ રડ્યા હતા અને દિલ્હી પાસેના શહેર ગુરુગ્રામમાં રહેનારૂં એક 8 વર્ષનું માસૂમ બાળક એટલું રડ્યું કે, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જે બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે, હવે તે બાળક સ્વસ્થ છે અને ગુરુવારે બાળકને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે, પરંતુ ડૉક્ટરે જણાવ્યું કે, વધુ ચિંતાના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
જૈન મેચ દરમિયાન પાણી પણ નહતો પીતો
સૂર્ય વિહારમાં રહેનારા આ બાળકનું નામ જૈન ખાન છે. બાળકના પિતા વસીમ અહમદે જણાવ્યું કે, જૈન આ વર્લ્ડકપમાં શરૂથી ભારતની તમામ મેચ જોતો હતો. જૈનને મેચ સાથે એટલો લગાવ હતો કે, તે મેચ દરમિયાન પાણી પીવા માટે પણ ઉઠતો નહતો, પરંતુ ફાઈનલમાં ભારતની હાર બાદ તે નિરાશ થયો હતો અને અંતમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જૈન વિરાટ કોહલીનો ખુબ મોટો ફેન છે.
ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ મેચમાં ભારતે પ્રતમ બેટિંગ કરીને 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 43 ઓવરમાં જ 241 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત વનડે વર્લ્ડકપની ચેમ્પિયન બની હતી.