- IPL 2024નું પ્રથમ હાફનું શેડ્યૂલ જાહેર કરાયું
- 22 માર્ચથી 7 એપ્રિલ સુધીના શેડ્યૂલની જાહેરાત
- પ્રથમ મેચ ચેપોકમાં ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે
22 ફેબ્રુઆરી 2024ના રોજ IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, 22 માર્ચથી 7 એપ્રિલ સુધીના શેડ્યૂલની જ જાહેરાત કરવામાં આવી છે. IPL 2024 ની પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો જીત સાથે નવી સિઝનની શરૂઆત કરવા માંગશે., પરંતુ તે પહેલા અમે તમને જણાવીએ કે IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં કઈ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
IPL 2024 સીઝનની શરૂઆત બે શ્રેષ્ઠ ટીમો વચ્ચેની ટક્કરથી થશે. બંને ટીમોના કેપ્ટન ઈચ્છે છે કે તેમની ટીમ સિઝનની શરૂઆત જીત સાથે કરે. 2008 થી 2023 સુધી આ બંને ટીમો 31 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી 10 મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 મેચમાં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. જો આંકડાઓ પર નજર કરીએ તો આમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો કે હવે જોવાનું એ રહે છે કે કઈ ટીમ IPL 2024ની પ્રથમ મેચ જીતવામાં સફળ રહે છે.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ મજબૂત
IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી આ મેદાન પર બંને ટીમો 9 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સે 8 મેચ જીતી છે. એક મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી છે. બેંગ્લોર છેલ્લે 2008માં ચેપોક સ્ટેડિયમમાં જીત્યું હતું. જે બાદ તે ક્યારેય ચેપોકનો કિલ્લો જીતી શકી નથી.
ફાફ ડુ પ્લેસિસ RCBનો કેપ્ટન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાફ ડુ પ્લેસિસને IPL 2022માં કેપ્ટન બનાવ્યો હતો. તે જ વર્ષે તેણે આ ખેલાડીને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જે બાદ તે જ સિઝનમાં ફાફને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ, RCB IPL 2022માં ટોપ 4માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. ત્યારબાદ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છઠ્ઠા સ્થાને હતું. હવે ફરી એકવાર ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપની જવાબદારી નિભાવતા જોવા મળશે. આરસીબીના ચાહકો ફાફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આ વખતે પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરશે તેવી અપેક્ષા રાખશે. તમને જણાવી દઈએ કે 2008 થી અત્યાર સુધી આ ટીમ તેની પ્રથમ ટ્રોફીની રાહ જોઈ રહી છે.
CSK પાસે પાંચ IPL ટાઇટલ
ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે. ધોનીની કપ્તાનીમાં CSKએ ગયા વર્ષે પાંચમું IPL ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જે બાદ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં સૌથી વધુ ટ્રોફી જીતવાના મામલે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. હવે ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળતા જોવા મળશે. ચાહકોને આશા હશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર ધોનીની કપ્તાનીમાં ટ્રોફી પોતાના નામે કરશે.