- IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
- રિષભ પંત IPL 2024માં કરશે વાપસી
- ઝાય રિચર્ડસન IPLના પ્રથમ હાફમાંથી બહાર
IPL 2024 માર્ચમાં શરૂ થવા જઈ રહી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે કારણ કે ટીમનો એક સ્ટાર ખેલાડી IPL 2024ના પહેલા હાફમાંથી બહાર થઈ ગયો છે. IPL 2024ના પહેલા હાફની મેચોનું શિડ્યૂલ 22 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે ચાહકોની નજર દિલ્હી કેપિટલ્સ પર ટકેલી છે કારણ કે રિષભ પંત આ વખતે IPL 2024માં વાપસી કરી શકે છે.
સ્ટાર ખેલાડી પ્રથમ હાફમાંથી બહાર
દિલ્હી કેપિટલ્સ ટીમ 23 માર્ચથી તેનું IPL 2024 અભિયાન શરૂ કરશે. દિલ્હી કેપિટલ્સનો પ્રથમ મુકાબલો પંજાબ કિંગ્સ સાથે થશે. જો કે આ પહેલા ટીમના ફાસ્ટ બોલિંગ વિભાગને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન IPL 2024 માટે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તે ઈજાને કારણે પહેલા હાફમાંથી બહાર થઈ ગયો છે.
આ વખતે આઈપીએલ 2024ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ઝાય રિચર્ડસનને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હવે રિચાર્ડસન સાઈડ સ્ટ્રેઈનમાંથી સાજો થઈ રહ્યો છે અને તે પહેલા હાફ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ માહિતી આપતાં દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું કે, રિચર્ડસન પહેલા હાફમાં ટીમ સાથે નહીં હોય પરંતુ બીજા હાફમાં ચોક્કસ ટીમ સાથે જોડાશે.
ઝાય રિચર્ડસનનું પ્રદર્શન
ઝાય રિચર્ડસન વર્ષ 2021માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. જે બાદ તે બે સિઝન માટે IPLમાંથી ગાયબ રહ્યો હતો. હવે ફરી એકવાર રિચર્ડસન IPLમાં વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત T20 લીગ બિગ બેશ લીગમાં રિચર્ડસનનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. જે રિચર્ડસને બિગ બેશ લીગમાં 70 મેચમાં 94 વિકેટ ઝડપી છે. જોકે ઈજાના કારણે રિચર્ડસન લાંબા સમયથી બહાર છે.
દિલ્હીની કમાન રિષભ પંતમા હાથમાં
દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે સારા સમાચાર એ છે કે રિષભ પંત IPL 2024માં વાપસી કરવા જઈ રહ્યો છે. અકસ્માત બાદ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ પંતને IPL 2023 ચૂકી જવું પડ્યું હતું. પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કમાન ડેવિડ વોર્નરના હાથમાં હતી. હવે ફરી એકવાર રિષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જો કે, દિલ્હી કેપિટલ્સના સહ-માલિકના જણાવ્યા અનુસાર, પંત માત્ર બેટિંગ કરતા જોવા મળશે જ્યારે વિકેટકીપિંગ અન્ય ખેલાડી કરશે.