• IPLની 17મી સિઝનની શરૂઆત 22 માર્ચથી થશે
  • IPL 2024માં 5 વિદેશી ખેલાડી કરી શકે છે ડેબ્યૂ
  • IPLમાં ઓસ્ટ્રેલિયાના સ્પેનસર જોન્સન કરશે કમાલ

ભારતમાં શરૂ થઈ રહેલી IPL 2024માં માત્ર ભારતના યુવા ખેલાડીઓને જ રમવાની સુવર્ણ તક નહીં મળે, પરંતુ IPL 2024માં વિશ્વના પાંચ મોટા સ્ટાર્સ પ્રથમ વખત પોતાનું કૌશલ્ય દર્શાવતા જોવા મળશે. આ પાંચ ખેલાડીઓને IPL 2024માં પહેલીવાર ખરીદવામાં આવ્યા છે. જે બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ 5 ખેલાડીઓ પ્રથમ મેચથી જ પોતપોતાની ટીમ માટે રમતા જોવા મળી શકે છે. IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ લીગમાં દુનિયાના ઘણા મોટા સ્ટાર્સ કમાલ જોવા મળશે. જ્યારે આ લીગમાં ભારતીય અને વિદેશી યુવા ખેલાડીઓ પણ તેમની સાથે સ્પર્ધા કરતા જોવા મળશે. તે 5 વિદેશી ખેલાડીઓ કોણ છે જે IPL 2024માં પ્રથમ વખત ડેબ્યૂ કરી શકે છે.

મુંબઈ તરફથી ગેરાલ્ડ કોએત્ઝીને તક મળશે

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. આ પછી, જ્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ગઈ ત્યારે ભારતીય બેટ્સમેન માટે ગેરાલ્ડ કોએત્ઝીના ફાસ્ટ બોલને રમવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. આ વખતે સાઉથ આફ્રિકાનો આ ખાસ બોલર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરતો જોવા મળી શકે છે. IPL 2024ની મિની ઓક્શનમાં ગેરાલ્ડ કોએત્ઝીને આ વખતે 5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

રચિન રવિન્દ્રને ધોનીનો સાથ મળ્યો

ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ ભારતમાં આયોજિત ODI વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી, CSKએ તેને IPL 2024ની મિની ઓક્શનમાં 1 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો. જે બાદ હવે આ યુવા બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં શરૂઆતની મેચોથી જ રમતા જોવા મળી શકે છે. રચિન રવિન્દ્ર ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાની સાથે લેફ્ટ આર્મ સ્પિન બોલર પણ છે. યલો આર્મીના હોમ ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરોને વધુ મદદ મળે છે. જે બાદ ધોની આ યુવા ઓલરાઉન્ડરને પ્રથમ મેચથી જ રમવા પર વિચાર કરી શકે છે.

હાર્દિક દિલશાન મધુશંકાને આપી શકે તક

શ્રીલંકાના યુવા ડાબોડી બોલર દિલશાન મધુશંકાએ બાંગ્લાદેશ સામેની T20 સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે દિલશાન મધુશંકા પહેલીવાર IPLમાં ભાગ લઈ રહ્યો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સે 4 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જે બાદ એવું માનવામાં આવે છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆતની મેચથી જ રમતા જોવા મળી શકે છે. મધુશંકાએ અત્યાર સુધી 14 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે. જેમાં તેણે માત્ર 14 વિકેટ લીધી છે.

ગુજરાત આ ખેલાડીને આપશે તક 

અફઘાનિસ્તાનના મહાન ખેલાડીઓએ IPLમાં પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. હવે તેમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈનું પણ એક નામ જોડાવા જઈ રહ્યું છે. અઝમતુલ્લા ઓમરઝાઈ અફઘાનિસ્તાન માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે. તેને ગુજરાત ટાઇટન્સે રૂ. 50 લાખની મૂળ કિંમત સાથે કરારબદ્ધ કર્યો છે. ઓમરઝાઈએ ​​બેટિંગ અને બોલિંગમાં કમાલ કર્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈના પ્રદર્શનને જોતા માનવામાં આવે છે કે કેપ્ટન શુભમન ગિલ આ ઓલરાઉન્ડરને શરૂઆતની મેચથી જ રમવાની તક આપી શકે છે. અથવા ઓસ્ટ્રેલિયાના ડોબોડી ફાસ્ટ બોલર સ્પેનસર જોન્સનને પ્રથમ મેચમાંથી તક આપી શકે છે. સ્પેન્સર જોન્સન 150ની પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે છે. ગુજરાત ટાઈટન્સે હરાજીમાં 10 કરોડમાં ખરીદ્યો હતો.

ગાબા બાદ હવે શમર જોસેફ IPLમાં ચમકશે

વેસ્ટ ઈન્ડિઝે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના ગાબા ખાતે ટેસ્ટ મેચ જીતી છે. આ મેચમાં જીતનો હીરો બીજો કોઈ નહીં પણ 24 વર્ષનો યુવા ફાસ્ટ બોલર શમર જોસેફ હતો. અંગૂઠામાં ઈજા હોવા છતાં, આ યુવા બોલરે 11.5 ઓવરમાં 7 વિકેટ લઈને કાંગારૂઓનો ઘુંટણીએ લાવી દીધા હતા. હવે આ યુવા બોલર ભારતમાં યોજાનારી IPL 2024માં પોતાની બોલિંગનું પ્રદર્શન કરતા જોવા મળશે. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા માર્ક વુડના સ્થાને શમર જોસેફને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જે બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે આ યુવા બોલર પ્રથમ મેચમાં જ IPLમાં ડેબ્યૂ કરી શકે છે.

  • Follow us on: