- મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- રોમારિયો શેફર્ડે 10 બોલમાં 39 રન બનાવ્યા
- છેલ્લી ઓવરમાં શેફર્ડે કુલ 32 રન ફટકાર્યા
આજે IPL 2024ની 19મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જબરદસ્ત બેટિંગ જોવા મળી હતી. મેચમાં મુંબઈના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઈશાન કિશને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.
જો કે આ મેચમાં મુંબઈના સૌથી વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી, પરંતુ તેનું વાપસી કંઈ ખાસ રહી નથી. આ મેચમાં સૂર્યકુમાર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. પરંતુ બીજી તરફ આ મેચમાં મુંબઈનો એક ખેલાડી એવો હતો કે તેણે ફેન્સને પૂર્વ ખેલાડી કિરોન પોલાર્ડની યાદ અપાવી દીધી. જે પછી ફેન્સ કહી રહ્યા છે કે મુંબઈને નવો પોલાર્ડ મળ્યો છે.
મુંબઈનો નવો પોલાર્ડ
મુંબઈની ઈનિંગની છેલ્લી ઓવરમાં રોમારિયો શેફર્ડની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવરમાં એનરિક નોર્કિયાની ખૂબ જ ધોલાઈ કરી હતી. આ ઓવરમાં રોમારિયો શેફર્ડે કુલ 32 રન બનાવ્યા હતા. જેમાં 2 ફોર અને 4 શાનદાર સિકસરનો સમાવેશ થાય છે. બેટિંગ દરમિયાન શેફર્ડે માત્ર 10 બોલમાં 39 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 390 હતો.
શેફર્ડના નામે નોંધાયો ખાસ રેકોર્ડ
રોમારિયો શેફર્ડ IPLમાં સૌથી વધુ બેટિંગ સ્ટ્રાઈક રેટ (ઓછામાં ઓછા 10 બોલ રમ્યા પછી) સાથે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. શેફર્ડે આ મામલે પેટ કમિન્સને પાછળ છોડી દીધો છે. કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 373.33ની સ્ટ્રાઈક રેટથી 15 બોલમાં 56 રન બનાવ્યા હતા. એબી ડી વિલિયર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 372.72ની સ્ટ્રાઈક રેટથી 11 બોલમાં 41 રન બનાવ્યા હતા. જ્યારે આન્દ્રે રસેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 369.23ની સ્ટ્રાઈક રેટથી 13 બોલમાં 48 રન બનાવ્યા હતા.