• RCBએ 27 રનથી મેચ જીતી
  • 8મી મેચ બાદ RCB એક પણ મેચ હારી નથી
  • 22મેના રોજ રમશે આગામી મેચ

ચેન્નઈની સામે જીત મેળવ્યા બાદ RCB પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી ચૂકી છે. બેંગલુરુની આ જીત બાદ વિરાટ કોહલી ઈમોશનલ જોવા મળ્યા. કોહલીના આંસુ છુપાયા નહીં. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રોમાંચક મેચે દર્શકોને પણ કર્યા ખુશ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2024ની 68મી મેચ રોમાંચથી ભરેલી હતી. આરસીબીએ આ મેચ 27 રને જીતી લીધી છે. આ જીત સાથે RCB પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. ચેન્નાઈ સામેની આ જીત RCBની આ સિઝનની સતત છઠ્ઠી જીત હતી. અંતિમ ક્ષણોમાં આ મેચે તમામની ચિંતા વધારી હતી. આ એવો સમય હતો કે જ્યારે મેચ કોઈપણ દિશામાં જઈ શકતી હતી. પરંતુ યશ દયાલની શાનદાર બોલિંગના કારણે આરસીબીએ મેચ જીતી લીધી હતી. આ જીત બાદ RCBનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ઘણો ભાવુક થઈ ગયો હતો. કોહલી પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે આંસુ છુપાવી શક્યો નહીં.

આરસીબીને સંજીવની મળી

આ જીત RCB માટે મોટી જીત છે. આરસીબી એવી ટીમ છે જે આ સિઝનની શરૂઆતથી જ તળિયે હતી. પ્રથમ 8 મેચોમાંથી બેંગલુરુ ફક્ત એક જ મેચ જીતી શક્યું, પરંતુ તે પછી બેંગલુરુએ જે રીતે પુનરાગમન કર્યું તે પ્રશંસનીય છે. RCB આઠમી મેચ બાદ એક પણ મેચ હારી નથી. ચેન્નાઈને હરાવ્યા બાદ વિરાટ કોહલી ઘણો ભાવુક થઈ ગયો હતો. તેણે દોડીને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ગળે લગાડ્યો અને તેની લાગણી વ્યક્ત કરવા માટે તેને ચુંબન કર્યું. આ સિવાય તે હાથ વડે આંસુ છુપાવતો જોવા મળ્યો હતો. કોહલીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વિરાટ ઈમોશનલ થઈ રહ્યો છે. આ જીત RCB માટે લાઈફલાઈન સમાન છે.

 

RCBની આગામી મેચ 22 મેના રોજ છે

બેંગલુરુએ સતત 5 મેચ જીતીને ખાસ ગતિ હાંસલ કરી હતી, જો વિરાટની સેના ચેન્નાઈ સામે હારી ગઈ હોત તો તમામ પ્રયાસો વ્યર્થ જઈ શકે છે. પરંતુ હવે RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આરસીબીએ 22મી મેના રોજ એલિમિનેટર મેચ રમવાની છે. આ મેચ કોની સામે રમાશે તે હજુ નક્કી થયું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સમાંથી એક ટીમ બીજા સ્થાને અને એક ટીમ ત્રીજા સ્થાને રહેશે. જે ટીમ ત્રીજા સ્થાને રહેશે તેની સાથે RCB એ એલિમિનેટર મેચ રમવાની છે.

  • Follow us on: