- IPL 2024ની તૈયારી શરૂ થઈ
- 19 ડિસેમ્બરે દુબઈમાં IPL માટે થશે ઓક્શન
- ટ્રેવિસ હેડ પર લાગી શકે IPL ઈતિહાસની સૌથી વધુ બોલી
IPLની દરેક નવી સિઝનમાં આપણને વારંવાર એવા ખેલાડી જોવા મળે છે જે ટૂર્નામેન્ટમાં સૌથી મોંઘા વેચાણનો રેકોર્ડ બનાવે છે. છેલ્લી સિઝન (IPL 2023) માટે યોજાયેલી હરાજીમાં ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ટૂર્નામેન્ટના ઈતિહાસમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જેને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ ઈંગ્લિશ ઓલરાઉન્ડરનો રેકોર્ડ તોડી શકે છે. જેને 20 કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે.
વર્લ્ડકપની ફાઈનલમાં ભારત વિરુદ્ધ ફટકારી હતી સદી
આ એ જ ટ્રેવિસ હેડ છે જેણે 2023 વનડે વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે સદી ફટકારીને જીત મેળવી હતી. હેડે ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડકપની મહત્વપૂર્ણ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં ભારત સામે 137 રનની ઈનિંગ પહેલા હેડે સાઉથ આફ્રિકા સામે સેમીફાઈનલમાં 62 રન બનાવ્યા હતા. જે બાદ હેડે ભારત સામે રમાયેલી T-20 સીરિઝમાં પણ વિસ્ફોટક બેટિંગ કરી હતી
આ ટીમ હેડને ખરીદી શકે
હેડના શાનદાર ફોર્મને જોતા કહી શકાય કે ટીમો તેના પર 20 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સ પાસે હરાજી માટે સૌથી વધુ રૂપિયા 38.15 કરોડના પર્સનું મૂલ્ય છે. આ ઉપરાંત હૈદરાબાદ પાસે રૂપિયા 34 કરોડ, કેકેઆર પાસે રૂપિયા 32.7 કરોડ, દિલ્હી કેપિટલ્સ પાસે રૂપિયા 28.95 કરોડ, પંજાબ પાસે રૂપિયા 29.1 કરોડ અને રોયલ ચેલેન્જર્સ પાસે રૂપિયા 23.25 કરોડ છે. આ ટીમો ટ્રેવિસ હેડને 20 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. બાકીની ટીમોના પર્સની કિંમત 20 કરોડ રૂપિયાથી ઓછી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ટીમ કયા ભાવે હેડને ખરીદે છે
ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટ રમે છે હેડ
ઉલ્લેખનીય છે કે, ટ્રેવિસ હેડ એક એવો ખેલાડી છે જે ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તે 42 ટેસ્ટ, 64 વનડે અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 2 હજાર 904 રન અને વનડેમાં 2 હજાર 393 રન બનાવ્યા છે. આ ઉપરાંત જો IPLના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો હેડનો T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ પણ સારો છે. હેડે T20Iની 22 ઇનિંગ્સમાં 29.15ની એવરેજ અને 146.17ના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી 554 રન બનાવ્યા છે.