- આજે RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
- આ મેચ બાદ પ્લેઓફમાં જનારી ચોથી ટીમ નક્કી થશે
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બેક ટુ બેક 5 મેચ જીતી હતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે નોકઆઉટ મેચ રમશે. આ મેચ પ્લેઓફમાં જનારી ચોથી ટીમનું સ્થાન નક્કી કરશે. RCBની ટીમ આ સિઝનની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરી રહી હતી, એવું લાગી રહ્યું હતું કે RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે, પરંતુ ટીમે શાનદાર વાપસી કરી હતી. RCBએ બેક ટુ બેક 5 મેચ જીતી હતી. તેના કરિશ્માઈ કમબેકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે પ્લેઓફમાં ન જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેણે એપ્રિલમાં જ પોતાની બેગ પેક કરી લીધી હતી.
એપ્રિલમાં જ પ્લેઓફમાં જવાની આશા છોડી દીધી હતી
કોહલીનું કહેવું છે કે તેણે એપ્રિલમાં RCBના પ્લેઓફમાં જવાની આશા લગભગ છોડી દીધી હતી. સુરેશ રૈના સાથે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું- મેં એપ્રિલમાં જ મારી બેગ પેક કરી હતી. મને લાગ્યું કે RCBના પ્લેઓફમાં જવાની કોઈ શક્યતા નથી. તે આશ્ચર્યજનક છે કે રમત કેવી રીતે બદલાઈ શકે છે. શું થવાનું છે તે કોઈ ધારી શકતું નથી. કોહલીએ તેના ફેન્સ અને RCB પ્રત્યેના તેમના પ્રેમ વિશે પણ વાત કરી. કોહલીએ કહ્યું- ફ્રેન્ચાઇઝી સાથે તમારું જોડાણ અને ખેલાડીઓ સાથે તમારી મિત્રતા મહત્વપૂર્ણ છે. દરેકને આ બધું મળતું નથી.
ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
આ સાથે વિરાટ કોહલીએ તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે મારે કોઈને સાબિત કરવાની જરૂર નથી કે હું કેવો ખેલાડી છું. હું મારા પોતાના અનુભવમાંથી શીખ્યો છું. કોઈને પૂછ્યું ન હતું કે મેચ કેવી રીતે જીતવી. મેચો વારંવાર જીતવી એ તકની વાત નથી. સખત મહેનતથી જ આ બને છે.