• IPL 2024માં મુબઈની પ્રથમ મેચમાં ગુજરાત સામે હાર
  • મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે
  • ગુજરાત સામેની મેચમાં હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યો હતો

રોહિત શર્મા હવે મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન છે. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી ફેન્સ હજુ પણ નારાજ છે. મુંબઈ ઈન્ડિયન્સની કમાન હવે હાર્દિક પંડ્યાના હાથમાં છે. જેની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં પોતાની પ્રથમ મેચ હારી ગઈ છે. જે બાદ હાર્દિકની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ મેચ બાદ ફેન્સે હાર્દિકને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યો હતો. હવે ફેન્સના મનમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે શું રોહિત શર્માને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ મળી શકે છે. જેના પર પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન સામે આવ્યું છે.

રોહિતની કેપ્ટનશિપ પર પૂર્વ દિગ્ગજનું નિવેદન

મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024ની પોતાની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટોમ મૂડીએ કહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સને પહેલી મેચ હારવાની ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ પોતાના નવા કેપ્ટનને થોડો સમય આપવો જોઈએ.

ટોમ મૂડીનું કહેવું છે કે જો પાંચ-આઠ મેચ બાદ હાર્દિકને અચાનક કેપ્ટનશિપમાંથી હટાવીને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવે તો તે ખૂબ જ આશ્ચર્યજનક હશે. મને લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સે આગળ વિચારીને હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકમાં કપ્તાનની તમામ ક્ષમતાઓ છે, તેને થોડો સમય આપવો જોઈએ.

હાર્દિક ફ્લોપ રહ્યો હતો

IPL 2024માં, મુંબઈ ઈન્ડિયન્સ પહેલીવાર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મેચ રમી હતી. મુંબઈને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર્દિક પણ ઈજા બાદ મેદાનમાં પાછો ફર્યો હતો. જોકે આ મેચમાં હાર્દિક બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ સાબિત થયો હતો. બોલિંગ કરતી વખતે હાર્દિકે 3 ઓવરમાં 30 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. બેટિંગ દરમિયાન હાર્દિક માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ, રોહિત શર્મા તેની પ્રથમ મેચમાં જ હિટ સાબિત થયો હતો. રોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સ સામે 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ અંગે હાર્દિકને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: