- IPLની આગામી સિઝન પહેલા મેગા ઓક્શન યોજાશે
- તમામ ટીમો રિટેન અને રીલીઝ ખેલાડીઓની જાહેરાત કરશે
- ચેન્નાઈ સુપર કિંગ્સ કયા ખેલાડીઓને જાળવી શકે છે, જાણો
IPLની આગામી સિઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિયમો અનુસાર, મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોત-પોતાના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. કોઈપણ ટીમ વધુમાં વધુ ચાર ખેલાડીઓને જ જાળવી શકે છે. જોકે આ વખતે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર હવે ટીમો ચારની જગ્યાએ 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. આવી સ્થિતિમાં, જાણો ચેન્નાઈ સુપર કિંગ્સ કયા ખેલાડીઓને જાળવી શકે છે.
આ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે ચેન્નાઈ સુપર કિંગ્સ
રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સે રિટેન કરવા માટે છ ખેલાડીઓની યાદી તૈયાર કરી છે. આ 6 ખેલાડીઓ સિવાય અન્ય તમામ ખેલાડીઓને મુક્ત કરવામાં આવશે. રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે, ઝડપી બોલર મથિષા પથિરાના, ઓપનર બેટ્સમેન ડ્વેન કોનવે અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થાય છે. જો 4 ખેલાડીઓને રિટેન કરવાના હશે તો ચેન્નાઇ રૂતુરાજ ગાયકવાડ, મથિષા પથિરાના, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેને કરશે.
આ ખેલાડીઓને છોડશે ચેન્નાઇ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ શાર્દુલ ઠાકુર, મુસ્તાફિઝુર રહેમાન, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, દીપક ચહર, અજિંક્ય રહાણે, મોઈન અલી જેવા દિગ્ગજ ખેલાડીઓને રિલીઝ કરશે. આ ઉપરાંત સમીર રિઝવી અને તુષાર દેશપાંડે જેવા યુવા સેન્સેશનને પણ રીલીઝ કરવામાં આવી શકે છે.
મેગા ઓક્શન પર 3 સૌથી મોટા અપડેટ્સ
- 31મી જુલાઈના રોજ મળેલી બેઠકમાં કેટલાક ટીમ માલિકોએ મેગા ઓક્શન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અહેવાલ મુજબ, BCCI મેગા ઓક્શનને રદ કરવાના મૂડમાં નથી.
- જ્યારે IPL 2025 માટે મેગા હરાજીની જાહેરાત થઇ ત્યારે 3-4 ખેલાડીઓને જાળવી રાખવાનો નિયમ જાહેર થયો હતો. હવે ટીમના માલિકો સાથેની બેઠક બાદ BCCI દરેક ફ્રેન્ચાઈઝીને 6 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકે છે.
- સુત્રોના જણાવ્યા અનુસાર રિટેન્શન નિયમમાં બદલાવ કરી 6 ખેલાડીઓમાંથી જેમને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે, રિટેન્શન અને રાઇટ ટુ મેચ (RTM) બંનેનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવશે. અગાઉ, દરેક ફ્રેન્ચાઈઝી 4 ખેલાડીઓને જાળવી શકતી હતી, જેમાં રાઈટ ટુ મેચની કોઈ જોગવાઈ નહોતી.