T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વિક્રમ રાઠૌરને IPL ટીમ રાજસ્થાન રોયલ્સ દ્વારા તેના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રીતે વિક્રમ રાઠૌર ફરીથી રાહુલ દ્રવિડ સાથે કામ કરશે, જે આ ટીમના હેડ કોચ બની ચૂક્યા છે. રાઠોડ જયપુર સ્થિત IPL ટીમના બેકરૂમ સ્ટાફમાં દ્રવિડ અને બોલિંગ કોચ શેન બોન્ડ સાથે જોડાશે. કોચિંગમાં કારકિર્દી બનાવતા પહેલા તેણે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ અને 7 વનડે રમી હતી.
વિક્રમ રાઠૌર અને દ્રવિડની જોડીએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં T20 વર્લ્ડકપ જીતવા ઉપરાંત ટીમે 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી અને એક સમયે નંબર વન ટીમ હતી. 55 વર્ષીય રાઠોડે 2019 થી 2024 સુધી ભારતીય ટીમના બેટિંગ કોચ તરીકે સેવા આપી છે. આ સિવાય તેણે ઘરેલુ ક્રિકેટમાં પંજાબ અને હિમાચલ પ્રદેશની ટીમોને કોચિંગ પણ આપ્યું છે.
રાઠોડની નિમણૂકથી દ્રવિડ પણ ખુશ છે
તેના લાંબા સમયના મિત્ર અને રાજસ્થાનના હેડ કોચ રાહુલ દ્રવિડે તેના રાજસ્થાન ટીમમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, 'હું રાજસ્થાન રોયલ્સને વર્લ્ડ ક્લાસ ટીમ બનાવવા અને તેને IPL ટાઈટલ જીતાડવા માટે ઉત્સુક છું.' રાજસ્થાનની ટીમમાં સામેલ થવા પર વિક્રમ રાઠૌર કહ્યું, 'રોયલ્સ પરિવારનો ભાગ બનવું એ સૌભાગ્યની વાત છે. રાહુલ સાથે અને હવે યુવા ક્રિકેટરોના પ્રતિભાશાળી જૂથ સાથે ફરીથી કામ કરવાની તક મળતા રોમાંચિત છું. હું ટીમના વિઝનમાં યોગદાન આપવા અને ટોચ પર પહોંચવાના અમારા લક્ષ્ય તરફ કામ કરવા માટે આતુર છું.'
રાજસ્થાનના ખાતામાં માત્ર એક જ ખિતાબ
2008માં IPLનો ખિતાબ જીત્યા બાદ રાજસ્થાન ફરી ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. ટીમે બે વર્ષ પહેલા આ લીગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ત્યાર બાદ તેને ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. BCCIએ હજુ સુધી IPL 2025ની મેગા ઓક્શનને લઈને રિટેન્શન નિયમો જાહેર કર્યા નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેગા ઓક્શન નવેમ્બરના અંતમાં થશે, તેથી રાહુલ દ્રવિડ, વિક્રમ રાઠોડ અને શેન બોન્ડને રાજસ્થાનની ટીમને આકાર આપવા માટે લગભગ બે મહિનાનો સમય મળશે.