- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી
- આ સિઝનની પ્રથમ મેચમાં CSKનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે
- આ પહેલા RCB ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. IPL 2024 22 માર્ચથી શરૂ થશે. આ સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થશે. આ પહેલા RCB ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
RCBએ બદલ્યું પોતાનું નામ
RCBની અનબોક્સ ઇવેન્ટમાં, ફ્રેન્ચાઇઝીનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ કરવામાં આવ્યું હતું. RCB પોતાનું નામ બદલનાર પ્રથમ ટીમ નથી. આ પહેલા 3 વધુ ફ્રેન્ચાઈઝીએ પોતાના નામ બદલ્યા છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે તેનું નામ બદલ્યું હતું
ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ સિઝનમાં ખિતાબ કબજે કર્યો હતો. લીગની આગલી સીઝનમાં, ડેક્કન ચાર્જર્સે RCBને હરાવીને ટ્રોફી ઉપાડી. ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ IPL 2013માં તેનું નામ બદલીને સનરાઈઝ હૈદરાબાદ રાખ્યું. આ સમયગાળા દરમિયાન ટીમની માલિકીમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. નામ બદલ્યા બાદ ટીમ ફરી એકવાર IPL 2016માં વિજેતા બની હતી. આ વખતે પણ ટીમે નિર્ણાયક મેચમાં આરસીબીને હરાવ્યું હતું.
દિલ્હી ડેરડેવિલ્સ બન્યુ દિલ્હી કેપિટલ્સ
સનરાઈઝર્સ હૈદરાબાદ બાદ હવે દિલ્હીની ટીમનું નામ પણ બદલાઈ ગયું છે. દિલ્હી ડેરડેવિલ્સ ફ્રેન્ચાઇઝી 2018 માં દિલ્હી કેપિટલ્સ બની. જો કે, નામ બદલ્યા પછી પણ ટીમનું નસીબ બદલાયું નથી અને ફ્રેન્ચાઇઝી હજી પણ ટાઇટલ માટે તલપાપડ છે. દિલ્હી કેપિટલ્સ વર્ષ 2020માં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રોફીની શોધમાં છે પંજાબ કિંગ્સ
આરસીબી પહેલા, છેલ્લી વખત કોઈપણ ફ્રેન્ચાઇઝીએ તેનું નામ 2021 માં બદલ્યું હતું. 14મી સિઝન પહેલા કિંગ્સ ઈલેવન પંજાબનું નામ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. નામ બદલ્યા પછી પણ ફ્રેન્ચાઇઝી હજુ પણ વિજેતા બની શકી નથી. જો કે, 2014માં પંજાબની ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પંજાબને 3 વિકેટે હરાવ્યું હતું.