- ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશાન ટીમની બહાર
- ઈશાન કિશન માટે ટીમ ઈન્ડિયામાં વાપસીનો રસ્તો મુશ્કેલ
- ઈશાને માનસિક તણાવને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો
ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આ દિવસોમાં ભારતીય ટીમની બહાર છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી ઈશાન કિશને BCCIને ક્રિકેટમાંથી બ્રેક લેવા માટે કહ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ઈશાન કિશને માનસિક તણાવને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.
ત્યારથી ઈશાન કિશન ટીમની બહાર છે. તેને અફઘાનિસ્તાન સાથે રમાયેલી T20 સિરીઝમાં પણ જગ્યા મળી નથી. જે બાદ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઈશાન કિશને હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ, ત્યારબાદ તે ટીમમાં વાપસી કરશે.
ઈશાને રાહુલના આદેશની અવગણના કરી
હવે ઈશાન કિશન માટે ટીમ ઈન્ડિયામાં વાપસીનો રસ્તો વધુ મુશ્કેલ બની રહ્યો છે. ઈશાન કિશન રણજી ટ્રોફીમાં ઝારખંડ તરફથી રમવાનો હતો પરંતુ અત્યાર સુધી ઈશાન કિશન ઝારખંડની ટીમ સાથે જોડાયો નથી. રાહુલ દ્રવિડે ઈશાનને તેની ફિટનેસ સાબિત કરવા અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની સૂચના આપી હતી પરંતુ ઈશાન કિશન તેની પહેલી જ રણજી મેચમાં ગેરહાજર રહ્યો હતો. જે બાદ હવે ઈશાનની વાપસીની અટકળોએ જોર પકડ્યું છે. ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ કર્યો છે જેમાં કેએસ ભરત, કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલનો સમાવેશ થાય છે.
ઈશાન કિશન અને કોચ વચ્ચે અણબનાવ
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ઈશાન કિશનને BCCI દ્વારા ગેરવર્તણૂકની સજા આપવામાં આવી છે, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ સમાચારો સામે આવ્યા બાદ કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઈશાન કિશનના ગેરવર્તન અંગેના તમામ સમાચાર ખોટા છે. હકીકતમાં ઈશાને માનસિક તણાવના કારણે ક્રિકેટમાંથી બ્રેક માંગ્યો હતો.
જોકે, થોડા દિવસો પહેલા ઈશાન કિશન મેદાન પર કસરત કરતો જોવા મળ્યો હતો. જેના કારણે ચાહકોને આશા હતી કે હવે ઈશાન કિશન ટીમમાં વાપસી કરી શકે છે પરંતુ હવે ઈશાને રણજી ટ્રોફીની પોતાની પ્રથમ મેચ મિસ કરીને તેની મુશ્કેલીઓ વધારી દીધી છે.