- ઈશાન કિશન હવે ક્રિકેટના મેદાનમાં વાપસી કરતો જોવા મળશે
- ઇશાન કિશન ડોમેસ્ટિક ક્રિકેટ રમતો જોવા મળશે
- ટીમ ઈન્ડિયામાંથી બહાર છે ઈશાન કિશન
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હવે પોતાના નિર્ણય પર યુ-ટર્ન લેતા જોવા મળી શકે છે. 2023થી ભારતીય ટીમની બહાર રહેલા ઈશાન કિશન આ નિર્ણય સાથે ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ સિલેક્ટર્સ તરફથી સંકેત મળ્યા બાદ તેણે પોતાનો વિચાર સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.
ઈશાન કિશન નિર્ણય બદલ્યો
ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ રહ્યો હતો. ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી કારણ કે તેમના માટે જલ્દી ટીમમાં વાપસી શક્ય બનશે. પરંતુ ઈશાન કિશને સ્થાનિક ક્રિકેટમાં તેની રાજ્યની ટીમ ઝારખંડનું પ્રતિનિધિત્વ ન કરવાનો નિર્ણય લીધો અને તેના બદલે IPL માટે તાલીમ શરૂ કરી. આ કારણે BCCIએ ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યો ન હતો અને ન તો તે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો હતો.
IPLમાં પણ રહ્યો હતો ફ્લોપ
ડોમેસ્ટિક ક્રિકેટને બાજુ પર રાખીને IPLની તૈયારી કરી રહેલા ઈશાન કિશન માટે પણ IPLની સિઝન સારી રહી ન હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચમાં માત્ર 320 રન બનાવ્યા હતા. ટીમ પોઈન્ટ ટેબલમાં પણ સૌથી નીચેના સ્થાને રહ્યો હતો.
ડોમેસ્ટિક ક્રિકેટ રમતો દેખાશે કિશન
એક રિપોર્ટ અનુસાર ઈશાન કિશન હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક કરવા માટે તૈયાર છે. ઇશાન કિશને આ નિર્ણય પસંદગીકારોની સૂચના મળ્યા બાદ લીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈશાન કિશને તેની ઉપલબ્ધતા વિશે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે. તેને આ સિઝનમાં ટીમની કમાન પણ સોંપવામાં આવી શકે છે.
શ્રેયસ ઐયરે ટીમમાં જગ્યા બનાવી
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈશાન કિશનની ટીમ ઈન્ડિયામાં વાપસી તેના પર નિર્ભર રહેશે કે તે ઘરેલુ ક્રિકેટમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં. શ્રીલંકા પ્રવાસ માટે પસંદ થયેલ શ્રેયસ ઐયર પણ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર ચાલી રહ્યો હતો. પરંતુ તે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ માટે સારુ રમ્યો, જેના પછી તેની ટીમમાં પસંદગી થઈ.
કેવુ છે ઈશાન કિશનનુ કરિયર?
ઈશાન કિશને ભારત માટે અત્યાર સુધીમાં 27 ODI, 32 T20 અને 2 ટેસ્ટ મેચ રમી છે. તેણે 27 ODI મેચમાં 933 રન અને 32 T20 મેચમાં 796 રન બનાવ્યા છે.