- વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે
- અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર જ આ મોટો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે
- શ્રીલંકા સામે પહેલી મેચમાં વિરાટનું પ્રદર્શન કંઈ ખાસ નહીં
હાલમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પણ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે. બંને ટીમો વચ્ચે રમાયેલી સિરીઝની પહેલી મેચ ટાઈ રહી હતી. બીજી મેચ 4 ઓગસ્ટે રમાવાની છે, જેમાં વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ભારત તરફથી અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર જ આ મોટો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે.
વિરાટ કોહલી વનડે કરિયરમાં 14000 રન પૂરા કરવાની નજીક
વિરાટ કોહલી બીજી વનડેમાં શ્રીલંકા સામે 128 રન બનાવીને ઈતિહાસ રચશે. કિંગ કોહલીને તેના વનડે કરિયરમાં 14000 રન પૂરા કરવા માટે 128 રનની જરૂર છે. અત્યાર સુધી રમાયેલી 293 મેચોમાં તેને 58.53ની એવરેજથી 13872 રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 72 અડધી સદી સામેલ છે.
એકવાર કોહલી 14000 રનનો આંકડો સ્પર્શે તો તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની જશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર બે બેટ્સમેન જ વનડે ફોર્મેટમાં 14000 કે તેથી વધુ રન બનાવી શક્યા છે. જેમાં સચિન તેંડુલકર અને શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાનું નામ સામેલ છે. ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે 463 વનડે મેચોમાં 18426 રન બનાવ્યા હતા, જ્યારે કુમાર સંગાકારાએ 404 મેચોમાં 14234 રન બનાવ્યા હતા.
પહેલી મેચમાં વિરાટનું પ્રદર્શન કંઈ ખાસ નહીં
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચમાં વિરાટ કોહલી પોતાના બેટથી વધુ રન બનાવી શક્યો ન હતો. તેને 32 બોલનો સામનો કરીને 24 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા સામેલ હતા. કોહલી લગભગ સાત મહિનાની લાંબી રાહ બાદ વનડે મેચ રમવા આવ્યો હતો અને તે પોતાની ટીમને મેચ જીતાડવામાં સફળ રહ્યો ન હતો. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને 230/8 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા 47.5 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે આ મેચ ટાઈ થઈ હતી.