• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરીઝ શરૂ થઈ છે
  • ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી
  • લાંબા સમય બાદ વનડેમાં ટાઈ મેચ જોવા મળી હતી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી. લાંબા સમય બાદ વનડેમાં ટાઈ મેચ જોવા મળી હતી. જોકે એક સમયે ભારતીય ટીમ જીતની નજીક હતી. કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 58 રન બનાવીને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતને જીતવા માટે માત્ર 231 રનની જરૂર હતી પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા આ રન બનાવી શકી ન હતી. ભારતીય ટીમ માટે બેટિંગમાં ઘણા ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું અને ટીમને તેનું પરિણામ ભોગવવું પડ્યું. આ કારણોસર તેઓને આગામી મેચમાં પડતા મુકી શકાય છે.

1.વોશિંગ્ટન સુંદર

શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તે પોતાની બોલિંગ દરમિયાન માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો. તેણે 9 ઓવરમાં 1 મેડન આપીને 46 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પછી તે બેટિંગમાં પણ માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. તે જરૂરિયાતના સમયે ટીમમાં યોગદાન આપી શક્યો ન હતો અને તેના કારણે તેને પડતો મૂકવામાં આવી શકે છે.

2.અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહે બોલિંગમાં 2 વિકેટ લીધી હતી પરંતુ બેટિંગ કરતી વખતે તેણે કરેલી ભૂલને કારણે ભારતની જીતેલી મેચ ટાઈ થઈ હતી. વાસ્તવમાં અર્શદીપ સિંહ છેલ્લી વિકેટ તરીકે બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી પરંતુ અર્શદીપે લાંબો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તે આઉટ થઈ ગયો. જો તેણે ડિફેન્સ કરીને એક રન લીધો હોત તો ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ હોત. આ કારણોસર અર્શદીપને પણ પડતો મૂકવામાં આવી શકે છે.

3.કેએલ રાહુલ

કેએલ રાહુલ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે પરંતુ પ્રથમ વનડેમાં તેની બેટિંગ એટલી સારી રહી ન હતી. તેણે ખૂબ જ ધીમી ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 43 બોલમાં 2 ચોગ્ગાની મદદથી માત્ર 31 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને મેચ ન જીતવામાં તેની ધીમી ઈનિંગ્સનો પણ ફાળો હતો અને તેના કારણે તે બહાર પણ થઈ શકે છે.

  • Follow us on: