• ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ટાઈ થઈ છે
  • ભારતીય ટીમે અત્યાર સુધીમાં 1056 ODI મેચ રમી છે
  • ભારત ટાઈ મેચ રમવાના મામલે વેસ્ટ ઈન્ડિઝ પછી યાદીમાં બીજા ક્રમે

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચના અંત અંગે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે લગભગ 98 ઓવરની રમત બાદ મેચ ટાઈમાં સમાપ્ત થઈ જશે. આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને એક સમયે 101 રનના સ્કોર સુધી અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જોકે, યજમાન ટીમ 50 ઓવર બેટિંગ કરવામાં સફળ રહી અને 230 રન બનાવ્યા. આ પછી ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમનો દાવ 47.5 ઓવરમાં 230ના સ્કોર પર સમેટાઈ ગયો હતો.

ભારત ઓસ્ટ્રેલિયા કરતા આગાળ

ODI ફોર્મેટમાં અત્યાર સુધી બહુ ઓછી મેચો જોવા મળી છે જે ટાઈ થઈ છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 1056 ODI મેચ રમી છે, જેમાંથી તેણે 559 મેચ જીતી છે અને 443 મેચ હારી છે. આ સિવાય માત્ર 10 મેચ ટાઈ રહી છે. વનડેમાં, ભારત હવે ટાઈ મેચ રમવાના મામલે વેસ્ટ ઈન્ડિઝ પછી યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. જ્યારે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 9 મેચ ટાઈ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ODIમાં સૌથી વધુ ટાઈ મેચ રમનારી ટીમો

  • વેસ્ટ ઈન્ડિઝ - 11
  • ભારત - 10
  • ઓસ્ટ્રેલિયા - 9
  • ઈંગ્લેન્ડ - 9
  • પાકિસ્તાન - 9
  • ઝિમ્બાબ્વે - 8

બંને ટીમો વચ્ચે 4 ઓગસ્ટે સિરીઝની બીજી વનડે મેચ રમાશે

પ્રથમ મેચ ટાઈમાં સમાપ્ત થયા બાદ ભારતીય ટીમે હવે 4 ઓગસ્ટના રોજ શ્રીલંકા સામે આ 3 મેચની ODI સિરીઝની બીજી મેચ રમવાની છે. આ મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તૈયારીના દૃષ્ટિકોણથી ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ મેચમાં શ્રીલંકાના બોલરોનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, તેથી બીજી વનડેમાં તેમને વધુ સારી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે.

  • Follow us on: