• ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની શાનદાર જીત
  • હવે ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે મેચ
  • જસપ્રીત બુમરાહે કપિલ દેવનો તોડ્યો રેકોર્ડ

વનડે વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ જોવા મળી રહી છે. દરેક મેચમાં બુમરાહ શ્રેષ્ઠ બોલિંગ કરવા સાથે વિકેટ પણ લઈ રહ્યો છે, ત્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે વર્લ્ડકપની મેચમાં જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે.

બુમરાહે લીધી 11 વિકેટ

વર્લ્ડકપ 2023માં 11 વિકેટ લઈને બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં બીજા સ્થાન પર છે. 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં પણ બુમરાહે ગજબની બોલિંગ કરી હતી. જો કે, આ મેચમાં બુમરાહને એક વિકેટથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વિકેટ સાથે બુમરાહે દિગ્ગજનો રેકોર્ડ તોડ્યો છે.

ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક વિકેટ લઈને જસપ્રીત બુમરાહે પૂર્વ ભારતીય ટીમના ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપના 26 મેચમાં બોલિંગ કરીને કપિલ દેવે 28 વિકેટ લીધી છે, પરંતુ જસપ્રીત બુમરાહ 14 મેચમાં જ કપિલ દેવથી આગળ નીકળી ગયો છે. હવે બુમરાહના નામે 14 વર્લ્ડકપ મેચમાં 29 વિકેટ થઈ છે. જો કે, આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું નામ છે. તેમના નામે વર્લ્ડકપમાં 44 વિકેટ છે.

કોણે કેટલી વિકેટ લીધી

ખેલાડી વિકેટ
ઝહીર ખાન 44
જવાગલ શ્રીનાથ 44
જસપ્રીત બુમરાહ 29
કપિલ દેવ 28

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર રહી છે. સ્પિન અને ફાસ્ટ બોલર્સ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. દરેક મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને વિકેટ મળી રહી છે. કોઈ મેચમાં સ્પિનર્સ પોતાનો કમાલ કરે છે, તો કોઈ મેચમાં ફાસ્ટ બોલર્સનો દબદબો જોવા મળે છે. હવે ટીમ ઈન્ડિયા 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની આગામી મેચ રમશે. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને પોતાના બોલર્સ પાસે આવા પ્રદર્શનની આશા હશે.

  • Follow us on: