• આયરલેન્ડ વિરુદ્ધ 3 મેચની T-20 સીરિઝ રમાશે
  • હાર્દિક અને રોહિત નહીં જાય આયરલેન્ડ
  • ટીમને મળશે નવો કેપ્ટન

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 5 મેચની T-20 સીરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડના પ્રવાસે જશે. આયરલેન્ડમાં ટીમ ઈન્ડિયા 3 મેચની T-20 સીરિઝ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને નવો કેપ્ટન મળી શકે છે. કારણ કે, આ સીરિઝમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવશે.

હાર્દિક પંડ્યા કેમ્પમાં જશે

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 સીરિઝ બાદ એશિયાકપની તૈયારી કરવા માટે એક અઠવાડિયાના કેમ્પનું સૂચન કર્યું છે. સાથે જ આ દરમિયાન 18,20 અને 23 ઓગસ્ટે ભારતીય ટીમ આયરલેન્ડ વિરુદ્ધ 3 T-20 મેચ રમશે. જેથી હાર્દિક પંડ્યા એશિયાકપની તૈયારી વાળા કેમ્પમાં હાજર રહી શકે છે. જેને લઈ આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં અન્ય કોઈ ખેલાડી કેપ્ટન બની શકે છે.

જસપ્રીત બુમરાહ બની શકે કેપ્ટન

રિપોર્ટ અનુસાર, આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરનારો જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. બુમરાહ અત્યારે ઝડપી ફિટ થઈ રહ્યો છે અને આયરલેન્ડ વિરુદ્ધ તેનું રમવાનું લગભગ નક્કી જ છે. આ સીરિઝથી તે એશિયાકપની તૈયારી પણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બુમરાહ ભારત માટે એક ટેસ્ટમાં કેપ્ટન રહી ચૂક્યો છે. જો કે, તે ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલા સૂર્યકુમાર યાદવ રેસમાં આગળ હતો

આ અગાઉ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, T-20 ટીમના ઉપ-કેપ્ટન સૂર્યકુમાર યાદવ આયરલેન્ડ વિરુદ્ધની T-20 સીરિઝમાં ટીમના કેપ્ટન બની શકે છે. આની પાછળ એવું કારણ ધરવામાં આવતું હતું કે, જો શ્રેયસ અય્યર ફિટ થઈ જશે, તો સૂર્યાને એશિયાકપની ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ બનશે. કારણ કે, આ વખતે એશિયાકપ વનડે ફોર્મેટમાં રમાશે.

  • Follow us on: