ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં હશે. ભારતીય ટીમનો કેમ્પ પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓ ઉપરાંત સિનિયર ખેલાડીઓને પણ સિરીઝ માટે જગ્યા આપવામાં આવી છે. જસપ્રીત બુમરાહને પણ ટેસ્ટ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહના નામે ચેન્નાઈના મેદાન પર એક મોટો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે.
જસપ્રીત બુમરાહ ઈતિહાસ રચશે
T20 વર્લ્ડકપ 2024 બાદ જસપ્રીત બુમરાહ પ્રથમ વખત ભારત તરફથી રમવા જઈ રહ્યો છે. ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. જોકે, ફાસ્ટ બોલર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં ભાગ લેવા માટે તૈયાર છે. જો કે જસપ્રીત બુમરાહ આ મેદાન પર આવીને ઈતિહાસ રચશે. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે 400 વિકેટ લેવાથી માત્ર 3 વિકેટ દૂર છે.
ભારતનો 10મો બોલર બનશે બુમરાહ
જો બુમરાહ આ મેચમાં માત્ર 3 વિકેટ લેવામાં સફળ રહેશે તો તે ઈતિહાસ રચશે. તે ભારત માટે 400થી વધુ વિકેટ લેનારો 10મો બોલર પણ બની જશે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી 36 ટેસ્ટ મેચમાં 159 વિકેટ લીધી છે. આ ખેલાડીએ 89 ODI મેચમાં 149 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે 70 T-20 મેચોમાં તેણે 89 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે.
બેટિંગમાં પણ બુમરાહના નામે ખાસ રેકોર્ડ
અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો ટેસ્ટ ફોર્મેટમાં બેટિંગમાં પણ શાનદાર રેકોર્ડ છે. બુમરાહ એવો ખેલાડી છે જેણે ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા છે. બુમરાહે વર્ષ 2022માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. તેણે સ્ટુઅર્ડ બ્રોડની એક ઓવરમાં તેના બેટથી 29 રન બનાવ્યા હતા. આ સિવાય 6 રન વધારાના હતા. જસપ્રીતે હાર્દિકનો રેકોર્ડ તોડીને જીત મેળવી હતી. હાર્દિકે વર્ષ 2017માં એક ઓવરમાં 26 રન બનાવ્યા હતા. આ પહેલા કપિલ દેવે વર્ષ 1990માં ઈંગ્લેન્ડ સામે એક ઓવરમાં 24 રન બનાવ્યા હતા.