- કિરન પોલાર્ડે એક ઓવરમાં ફટકારી સતત 5 સિક્સર
- ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં કર્યું કારનામું
- વિશ્વના શ્રેષ્ઠ સ્પિનર રાશિદ ખાનની ઓવરમાં કરી ધોલાઈ
સિંહ ભલે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય તો પણ તે ક્યારેય શિકાર કરવાનું ભૂલતો નથી. આ કહેવત વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ સાથે એકદમ બંધબેસે છે. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પોલાર્ડ વિશ્વભરની લીગમાં પોતાની રમત ફેલાવી રહ્યો છે. હાલમાં, તે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ મેન્સ કોમ્પિટિશન 2024માં સધર્ન બ્રેવ ટીમનો ભાગ છે.
પોલાર્ડે રાશિદ ખાનની કરી ધોલાઈ
આ ટુર્નામેન્ટમાં, સધર્ન બ્રેવની 7મી મેચ 10મી ઓગસ્ટના રોજ ટ્રેન્ટ રોકેટ્સ સામે હતી જેમાં 37 વર્ષીય કિરોન પોલાર્ડે બેટથી તબાહી મચાવી હતી. પોલાર્ડે માત્ર 23 બોલમાં 2 ફોર અને 5 સિક્સરની મદદથી 45 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે પોલાર્ડના બેટમાંથી કુલ 5 સિક્સર માત્ર એક ઓવરમાં સતત 5 બોલ પર આવી હતી. પોલાર્ડના બેટમાંથી એક પછી એક સળંગ પાંચ સિક્સર રાશિદ ખાનની ઓવરમાં ફટકારી હતી. હવે પોલાર્ડના સતત 5 સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
પોલાર્ડની આ શાનદાર અને વિસ્ફોટક ઇનિંગના કારણે સધર્ન બ્રેવ ટીમ ટ્રેન્ટ રોકેટ્સને 2 વિકેટથી હરાવવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ટ્રેન્ટ રોકેટ્સ ટીમે 100 બોલમાં 8 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા. જવાબમાં સધર્ન બ્રેવે પોલાર્ડની તોફાની ઇનિંગ્સના કારણે 99 બોલમાં 129 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. સધર્ન બ્રેવ માટે બેટ વડે શાનદાર ઇનિંગ રમનાર કિરોન પોલાર્ડને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટ્રેન્ટ રોકેટ્સ તરફથી જ્હોન ટર્નરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે સધર્ન બ્રેવ માટે ક્રિસ જોર્ડને ત્રણ વિકેટ લીધી હતી.
ધ હન્ડ્રેડમાં પોલાર્ડનું પ્રદર્શન
ધ હન્ડ્રેડ મેન્સ કોમ્પિટિશન 2024માં પોલાર્ડનું બેટ જોરદાર બોલે છે. તેણે 6 ઇનિંગ્સમાં 38.75ની એવરેજ અને 164.89ની સ્ટ્રાઇક રેટથી 155 રન બનાવ્યા છે, જેમાંથી 45 રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર 7મા ક્રમે છે. હવે જોવાનું એ રહે છે કે પોલાર્ડ પોતાની ટીમ માટે ખિતાબ જીતવામાં સફળ રહે છે કે નહીં.